વડોદરા : પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના ઈલેકટ્રીક લોકો શેડના કર્મચારીઓએ ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત ડિપાર્ટમેન્ટમાં પડેલા લોખંડના ભંગારમાંથી ફિટનેસ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. આજે ડીઆરએમએ કર્મચારીઓ દ્વારા બનાવાયેલ ફિટનેસ પાર્કનું વચ્ર્યુઅલી ઉદ્‌ઘાટન કરાયું હતું અને પાર્કનું નિર્માણ કરનાર કર્મચારીઓને પુરસ્કારની ઘોષણા કરી હતી. 

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત રોજિંદા જીવનમાં લોકો સ્વસ્થ અને ફિટ રહી શકે તે માટે પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. ત્યારે પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના ઈલેકટ્રીક લોકો શેડના કર્મચારીઓ દ્વારા વિભાગમાં પડેલ લોખંડની બિનઉપયોગી ભંગારની સામગ્રીમાંથી વ્યાયામના વિવિધ ઉપકરણો બનાવી ફિટનેસ પાર્કનું નિર્માણ કર્યું છે.

આજે રેલવેના કર્મચારીઓ દ્વારા બનાવાયેલા ફિટનેસ પાર્કનું ડીઆરએમ દેવેન્દ્રકુમારે અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં વચ્ર્યુઅલી ઉદ્‌ઘાટન કર્યું હતું. વરિષ્ઠ ડિવિઝનલ ઈલેકટ્રીકલ એન્જિનિયર રિષીકેશ મીનાએ વીડિયોના માધ્યમથી ફિટનેસ પાર્કની વિશેષતા અને ઉપયોગિતા અંગે માહિતી આપી હતી. કોરોનાની મહામારી દરમિયાન ઈલેકટ્રીક લોકો શેડના કર્મચારીઓએ બનાવેલ ફિટનેસ પાર્કની ડીઆરએમ દેવેન્દ્રકુમારે પ્રશંસા કરી હતી અને લોકો શેડના કર્મચારીઓએ રૂા.૧૦ હજારના પુરસ્કારની જાહેરાત કરી હતી.