વડોદરા-

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મંગળવારથી વડોદરા તાલુકાના ૩૮ ગામો અને જિલ્લાની ચાર નગરપાલિકાઓના શહેરી વિસ્તારમાં ૧૨૦ જેટલી ટીમો દ્વારા રેપિડ આરોગ્ય સર્વે યોજવામાં આવ્યો છે.આ ટીમો ૭૦ હજારથી વધુ ઘરોની મુલાકાત લઇને સિમ્પ્તોમેતિક કેસો શોધી તેમની ઉચિત સ્તરે સારવારનું સંકલન કરવાની સાથે ચોમાસું સહિતના રોગોની ભાળ મેળવશે.મંગળ, ગુરુ, શુક્ર અને શનિના ચાર દિવસો દરમિયાન ટીમો આ કામગીરી કરશે.જ્યારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કુલ ૩૨ ધન્વંતરિ આરોગ્ય રથો ઓપીડી તપાસની કામગીરી અલાયદી કરી રહ્યાં છે.

યાદ રહે કે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ દ્વારા સમયાંતરે જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં કોવિડ સહિત સર્વાંગી આરોગ્ય પરિસ્થિતિની સમીક્ષા કરીને ઉચિત દિશાનિર્દેશો આપવામાં આવે છે.જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી સમયાંતરે તાલુકા પ્રશાસન અને આરોગ્ય તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા આરોગ્ય પરિસ્થિતિનું આકલન કરી,તકેદારીના જરૂરી પગલાં લેવાની સૂચના આપે છે અને તંત્રને સતર્ક રાખે છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે રેપિડ સર્વેના ત્રીજા રાઉન્ડ ના ભાગરૂપે આ સર્વે યોજવામાં આવ્યો છે.ખાસ કરીને કોવિડના કેસો જ્યાં વધુ જોવા મળ્યા છે એવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.૩૫૧૪૭૦ જેટલી વસ્તીને તેના હેઠળ આવરી લેવાનું આયોજન છે.