વડોદરા : એક સપ્તાહથી જેની રાહ જાેવાઈ રહી હતી એ જિલ્લા કલેકટર તરીકેની નિમણૂક અંતે આજે રાજ્ય સરકારે કરી છે જેમાં વડોદરા જિલ્લા કલેકટર તરીકે મહિસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડની નિયુક્તિ કરી હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલને વડોદરા મ્યુનિ. કમિશનર તરીકે મુકાયા બાદ ડીડીઓ કિરણ ઝવેરીને કલેકટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે આજે ૭૭ આઇએએસ અધિકારીઓની બઢતી સાથે બદલીનો ગંજીફો ચીપ્યો હતો. જેમાં મહિસાગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા આર.બી.બારડની વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ૧૦ દિવસ અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી, જેથી ખાલી પડેલી વડોદરા જિલ્લા કલેકટરની જગ્યાનો વધારાનો ચાર્જ ડીડીઓ કિરણ ઝવેરીને સોંપવામાં આવ્યો હતો.કોરોનાની મહામારીમાં વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે શાલિની અગ્રવાલે સફળ કામગીરી બજાવી હતી. જેના પરિણામસ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તેઓને મ્યુનિસિપલ કમિશનર તરીકે જવાબદારી સોંપી હતી.

જ્યારે ૩૮ માસથી વડોદરા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા કિરણ ઝવેરીને જિલ્લા કલેકટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જાે કે, હવે મહિસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડની વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. વડોદરા જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીને એડિશનલ કમિશનર સ્ટેટ ટેક્સ અમદાવાદ ખાતે મુકવામાં આવ્યા છે.