મહુધા, તા.૧ 

મહુધાના ચુણેલ ખાતે વિકાસનાં કામોમાં ડે.સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિ આચરવાના મામલે મહુધા ટીડીઓએ રોજમેળ તથા પાસબુક ચકાસણી કરતાં વિકાસનાં કામોમાં ગંભીર ક્ષતિઓ જાેવાં મળતાં ડે.સરપંચ વિક્રમ રાઓલજીને સભ્યપદેથી દૂર કરી ફોજદારી રાહે કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીને મહુધા ટીડીઓએ ભલામણ કરતાં સનસનાટી મચી ગઈ છે.

 ચુણેલના સ્થાનિકો દ્વારા ગત જૂન માસમાં વિકાસનાં કામો અને વાંસ(બામ્બુ) પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાની લેખીત રજૂઆત કરાઈ હતી. જેનાં પગલે મહુધા ટીડીઓ દ્વારા ગ્રામ પંચાયતનો રોજમેળ તથા પાસબુકની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસમાં ચેક દ્વારા કરવામાં આવેલાં શંકાસ્પદ ૨૯ જેટલાં વ્યવહારોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, માલ સામાન પેટે બિલ વિના જ ગ્રામ પંચાયત દ્વારા નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં, જ્યારે ડે.સરપંચ દ્વારા કેટલાંક વ્યવહારમાં પોતાના પુત્ર, ભત્રીજા તથા મળતિયાઓ અને તેઓની એજન્સીના નામે વિકાસનાં કામોનાં નાણાંનાં વ્યવહાર કર્યા હોવાનંુ સામે આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી દ્વારા શંકાસ્પદ વ્યવહાર મામલે રોજ કામ કરી સાક્ષીઓની હાજરીમાં નિવેદન લેવામાં આવ્યા હતા, જેમાં તમામે ડે.સરપંચ વિક્રમ રાઓલજી વિકાસનાં કામો કરતાં હોવાની વાત જણાવી હતી. એટલું જ નહિ, પરંતુ ગ્રામ પંચાયતના ચેક દ્વારા કરવામાં આવતાં નાણાકીય વ્યવહાર ડે.સરપંચ દ્વારા જ કરવામાં આવતાં હોવાનું પણ જણાવ્યું હતું. જેને લઈ ડે.સરપંચ દ્વારા હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરી પંચાયતના નાણાકીય નિયમોમોનો ભંગ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હતો. આખરે ડે.સરપંચ સામે પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) મુજબ કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તેમજ તેઓને હોદ્દા ઉપરથી તથા ગ્રામ પંચાયતના સભ્યપદેથી દૂર કરી તેઓની સામે ફોજદારી કાર્યવાહી કરવા ખેડા ડીડીઓને મહુધા ટીડીઓ કાજલ આંબલિયા દ્વારા ભલામણ કરવામાં આવતાં પંથકમાં સનસનાટી મચી ગઈ છે.