સુરત-

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કડોદ નજીક તાપી નદી ઉપર આવેલો હરીપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે માંડવી અને બારડોલી તાલુકાનો વાહનવ્યવહાર ખોરવાઈ જવાથી લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ઉકાઈ ડેમના કેચમેંટ એરિયામાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે.જેથી તાપી નદીની જળ સપાટીમાં વધારો થતાં બારડોલી તાલુકાના કડોદ નજીક તાપી નદી ઉપર આવેલ હરીપુરા કોઝવે ફરી એકવખત પાણીમાં ગરકાવ થતાં કોઝવે બંધ કરવામાં આવ્યો છે.કોઝવે બંધ થવાથી બારડોલી અને કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના કોસાડી, ઉન, ખંજરોલી, ઉમરસાડી, ગવાછી, ગોદાવાડી, ખરોલી સહિતના 14 ગામોના લોકોની હાલત દયનીય બની છે. કોઝવે પર પાણી ફરી વળતા સામે પારના ગામોએ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. બારડોલી તાલુકાના કડોદ નજીક તાપી નદી પર બનેલો હરીપુરા કોઝવે ફરી એક વખત પાણીમાં ડૂબ્યો છે. જેને કારણે માંડવી અને બારડોલી તાલુકાના વાહન વ્યવહારને અસર પહોંચી છે. કોઝવે પાણીમાં ડૂબી જતાં માંડવી તાલુકાના 14 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા.