જામનગર, દેશમાં કોરોના સંક્રમણની ચેન તોડવામાં સરકાર ઉપરાંત અંગત સંસ્થાઓનું પણ યોગદાન મહત્વનું બની ગયું છે. ઓક્સિજનની અછત દૂર કરવા માટે ટાટા, અદાણી જેવી કંપનીઓ બાદ હવે રિલાયન્સ કંપની પણ આગળ આવી છે.  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ ૧૦૦૦ સ્‌ થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન કોવિડ ૧૯ થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોને મફતમાં આપવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ખુદ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યાં છે. રિફાઈનરીમાં ઓક્સિજન ઉત્પાદનથી લઈને તેના લેન્ડિંગ અને સપ્લાય પર મુકેશ અંબાણી નજર રાખી રહ્યાં છે. 

જામનગર રિલાયન્સ હાલ મિશન ઓક્સિજન પર કામ કરી રહ્યું છે. આ માટે ૧૦૦૦ એમટી ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચાડવા ૨૪ ટેન્કર એરલિફ્ટ કરાયા છે. રિલાયન્સના મુકેશ અંબાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સાઉદી અરેબિયા અને થાઇલેન્ડથી ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરાયા છે. ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરવામાં ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીના માધ્યમથી એલએમઓનું ઉત્પાદન ૧૦૦૦ મેટ્રિક ટન વધારી દીધું છે. ૧૦૦૦ મેટ્રેક ટન ઓક્સિજન ૧ લાખથી વધુ લોકોની જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા રાખે છે. રિલાયન્સ આજે ભારતમાં લગભગ ૧૧% મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. હાલ દર ૧૦ માંથી ૧ દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. ગત દિવસોમાં આરઆઈએલની તરફથી એલએમઓનું ઉત્પાદન ૭૦૦ મેટ્રિક ટન કરવામાં આવ્યું હતું.