વડોદરા, તા.૭

વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટયદિન નિમિત્તે તાલુકા તાલુકાના ચાણસદ ગામે ૧૨૫ વર્ષ જૂના રામજી મંદિરના જિર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત્‌ અને પાદરામાં જે શાળામાં પ્રમુખસ્વામી મહારાજે અભ્યાસ કર્યો હતો તે પી.પી.શ્રોફ શાળાનું પ્રમુખસ્વામી હાઈસ્કૂલ નામાભિધાન

કરવામાં આવ્યું હતું.

આ વિશ્વવંદનીય વિભૂતિના શૈશવના સ્મરણરૂપ ચાણસદ ગામનું ૧૨૫ વર્ષ જૂનું રામજી મંદિર કે જ્યાં તેઓ નિયમિત દર્શનાર્થે જતા હતા, જે જર્જરિત થઈ ચૂકેલ છે. આ રામજી મંદિરના જિર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત આજરોજ પ્રમુખસ્વામી મહારાજના અંતવાસી સંત પૂ. નારાયણચરણ સ્વામી અને અટલાદરા મંદિરના કોઠારી પૂ. ભાગ્યસેતુ સ્વામીના હસ્તે કરવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરના જિર્ણોદ્ધાર પૂર્વે મંદિરની ઈષ્ટિકા (ઈંટો)નું શાસ્ત્રોક્ત પૂજન પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે કરેલ હતું. આ કાર્યક્રમમાં ગ્રામજનોની સાથે શહેરના ભાવિકભક્તો પ્રવર્તમાન સંજાેગોના નિયમો પ્રમાણે ઉપસ્થિત રહ્યા હતા. તદ્‌ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજે પાદરાની જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે નગરપાલિકા સંચાલિત શાળાનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સદસ્યો, સંતોની હાજરીમાં સંસ્થાના પૂ. સંતો દ્વારા મંત્રોચ્ચારથી પ્રમુખસ્વામી હાઈસ્કૂલ નામાભિધાન કરવામાં આવ્યું હતું.