પુણે-

રશિયામાં બનાવવામાં આવેલ સ્પુતનિક વી, ટૂંક સમયમાં સરકારી રસીકરણ કેન્દ્રોમાં પણ ઉપલબ્ધ થશે. કોવિડ -૧૯ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો. એન.કે.અરોડાએ જણાવ્યું હતું કે આ રસી પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાશે. “હાલ, સ્પુતનિક વી ફક્ત ખાનગી ક્ષેત્રમાં જ ઉપલબ્ધ છે. જાેકે સપ્લાય આધારીત, અમે તેને અમારા મફત રસીકરણ કાર્યક્રમ હેઠળ લોકોને ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ.

સ્પુતનિક વીને -૧૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સંગ્રહ કરવી પડે છે. અરોડાએ જણાવ્યું કે પોલિયો રસી સંગ્રહિત કરવા માટે ઉપયોગમાં લેવાતી કોલ્ડ ચેન સુવિધાઓનો ઉપયોગ સ્પુતનિક વી સ્ટોર કરવા માટે કરવામાં આવશે. જેથી એ પણ સુનિશ્ચિત થશે કે આ રસી દેશના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચે. અરોડાએ કહ્યું કે પોલિયો રસીકરણને કારણે કેટલાક વિસ્તારોમાં હાલ કોવિડ રસીકરણની ગતિ ધીમી પડી છે. તેમણે કહ્યું, કોવિડ રસીકરણ કાર્યક્રમ આવતા સપ્તાહ સુધીમાં સુવ્યવસ્થિત બની જશે.' તેમણે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે અત્યાર સુધીમાં ૩૪ કરોડ ડોઝ લોકોને લગાવવામાં આવ્યા છે. ડો. અરોડાએ જુલાઈના અંત સુધીમાં બીજા ૧૨ થી ૧૬ કરોડ જેટલા ડોઝ લાગવાની સંભાવના વ્યક્ત કરી છે. જાન્યુઆરીમાં કેન્દ્રએ કહ્યું હતું કે રસી માટે પ્રાથમિક્તા જૂથોને આવરી લેતા જુલાઈના અંત સુધીમાં આશરે ૫૦ કરોડ ડોઝ લગાવવામાં આવશે.

તેમણે કહ્યું કે રસના સપ્લાયમાં હાલ દેશમાં મોટો ભાગ કોવિશિલ્ડ અને કોવેક્સિનનો જ છે. ડો અરોડાના કહેવા પ્રમાણે “આ બંને રસીના ઉત્પાદનમાં વધારો કરવા ઉપરાંત, સ્પુતનિક વી રસીનું આવવું અને ત્યારબાદ મોડર્ના અને ઝાયડસ કેડિલાની નવી રસીનું રોલોઆઉટ થવાથી, દેશમાં રસી લગાવવાની દૈનિક એવરેજ ૫૦ લાખથી વધારીને ૮૦ લાખ સુધી થઈ જશે. ત્યાં સુધી શક્ય છે કે આ દૈનિક એવરેજ એક કરોડ પણ થઈ શકે છે." સરકારનું લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધીમાં ૧૮ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને રસી લગાવવાના કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવે જે ૯૩ કરોડ જેટલી જનસંખ્યા છે. ડો. અરોડાએ કહ્યું કે, તાજેતરના આઈસીએમઆર અહેવાલમાં આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે. તેવામાં દેશ પાસે આશરે ૮ મહિના જેટલો સમય છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને ત્રીજી લહેર સાથે જાેડીને જાેવો તે ઉતાવળ ગણાશે. ભારતમાં અત્યાર સુધી આ વેરિઅન્ટના ૫૨ કેસ નોંધાયા છે.