ગોધરા,તા.૩૦ 

ગોધરા શહેરમાં લોકડાઉનના અમલમાં જડબેસલાક બંધ વચ્ચે પણ પાન-મસાલાના ખૂલ્લેઆમ કાળા બજારનો ધમધોકાર વ્યાપાર કરનાર અને કુખ્યાત તાડપત્રી ગેંગનો ભેજાબાજ આરોપી ગોધરાના સાજીદ ઉર્ફે ભમેડીના ઉત્તરપ્રદેશ પોલીસ તંત્રએ ધરપકડ કરતા ગોધરાના ભલભલા ચહેરાઓની ઉંઘ હરામ એટલા માટે થઇ ગઇ છે કે લોકડાઉનના દિવસોમાં ખૂલ્લેઆમ પાન મસાલાના કાળાબજારના વ્યાપારના આ પર્દાફાશમાં ઉત્તરપ્રદેશ પોલીસ તંત્રની તપાસનો રેલો તેઓ સુધી ગમે ત્યારે આવી શકે એમ છે! ગોધરાના મોહંમદી મહૌલ્લામાં રહેતા અને કુખ્યાત તાડપત્રી ગેંગના મુખ્ય ચહેરો કહેવાતા સાજીદ ઉર્ફે ભમેડીની ઉત્તર પ્રદેશના કુંડલી થાના પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ ધરપકડ સાથે ગોધરામાં લોકડાઉનના કપરા દિવસોમાં પાન પડીકીઓના વ્યસનીઓને કાળા બજારમાં મો-માંગ્યા ભાવે સાજીદ ઉર્ફે ભમેડીના ગેરકાયદે વ્યાપાર માટેનો જથ્થો કયાંથી આવ્યો આ સ્ફોટક રહસ્યનો પર્દાફાશ ઉત્તર પ્રદેશ પોલીસના ઓપરેશનમાં બહાર આવ્યો હતો એમાં સાજીદ ઉર્ફે ભમેડીએ અંદાજે ૧.૧૮ કરોડ રૂપિયાની કિંમતની પાન-મસાલાઓની ૪૦૦ પેટીઓ ગોધરામાં વેંચી હોવાની કબુલાત ઉત્તરપ્રદેશ પોલીસ સમક્ષ કરી દીધી છે! ઉત્તર પ્રદેશના ગાજીયાબાદથી પાન મસાલાની ૪૦૦ પેટીઓ ભરીને રવાના થયેલ ટૂંક કલકત્તા પહોંચવાના બદલે રસ્તામાં જ બારોબાર ગાયબ થઇ ગઇ હતી. આ સંદર્ભમાં ટૂંક લઇને રવાના થયેલા કયુમ અને અલી મોહમંદ વસલાદિનની થાના કુંડલી પોલીસે પૂછપરછ કરતા આ તપાસનો રેલો એઝાઝ ઉર્ફે અજજુ અને સલઉદ્દીન ઉર્ફે ઐસરી સુધી પહોંચતા પાન-મસાલા ભરેલ આ ટૂકનો રાજસ્થાનના બિચ્છુવાડામાં સોદો કરવાની બહાર આવેલ હકિકતોમાં ચિતોડગઢના કાસીમની ધરપકડ કરવામાં આવી હતી. અંદાજે ૧.૧૮ કરોડ રૂપિયાની કિંમતના ૪૦૦ જેટલી પાન-મસાલાઓની પેટીઓના આ ચોંકાવનારા રહસ્યમય સોદામાં ગોધરાના મોહમંદી મહૌલ્લામાં રહેતા અને આંતર રાજય પાંચ જેટલા તાડપત્રી ગેંગ સામેના ગુનાઓમાં સામેલ સાજીદ ઉર્ફે ભમેડીએ આ ૪૦૦ પેટીઓ પાન-મસાલાનો જંગી જથ્થો ગોધરામાં બારોબાર સગેવગે કરી દિધો હોવાની ચોંકાવનારી માહીતીઓના આધારે ઉત્તર પ્રદેશ પોલીસ અધિકારીઓ દ્વારા ગોધરા ખાતે દોડી આવીને સાજીદ ઉર્ફે ભમેડીને દબોચી લીધા બાદ આઠ દિવસોના પોલીસ રિમાન્ડ મેળ્વયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશ પોલીસના આગમન સાથે પર્દાફાશ થયેલા આ ઘટનાક્રમમાં કહેવાય છે કે લોકડાઉનના જડબેસલાક સજ્જડ બંધના આ દિવસોમાં પાન મસાલાઓ ભરેલ આ ૪૦૦ પેટીઓ ગોધરાના આર.ટી.ઓ.કચેરી પાસેના નિર્જન વિસ્તારમાં ઉતાર્યા બાદ સાજીદ ઉર્ફે ભમેડી અને સાથ આપનાર અન્ય એક સાગરીતે કેટલાંક બુકીઓની મદદથી પાન મસાલાનો આ જથ્થનો ખૂલ્લેઆમ કાળાબજારમાં વ્યાપાર કર્યો હતો તત્કાલીન સમયની ગોધરામાં ઉભી થયેલી આ ચર્ચાઓમાં સામેલ કેટલાક ચહેરાઓ સુધી ઉત્તર પ્રદેશ પોલીસ તંત્રની તપાસના આગમનો દેખાઇ રહ્યા હોવાની સમાંતર ચર્ચાઓ શરૂ થવા પામી છે!