મુંબઇ

બોલિવુડ એક્ટર સલમાન ખાન કોઈપણ પરિસ્થિતિમાં લોકોની મદદ માટે તૈયાર રહે છે. કોરોના કાળમાં પણ સલમાન સતત મદદ કરી રહ્યો છે. BMC સહિતના ફ્રંટલાઈન વર્કર્સ, ડૉક્ટરો અને પોલીસકર્મીઓને મદદ કરવાથી માંડીને ભોજન, મેડિકલ ઈક્વીપમેન્ટ અને ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડી રહ્યો છે. હાલમાં જ સલમાન ખાને કર્ણાટકના એક 18 વર્ષીય છોકરાને મદદ કરી છે. કોવિડ-19ના કારણે આ છોકરાના પિતાનું અવસાન થતાં તેણે આર્થિક મદદ માગી હતી.

આ વિશેની જાણકારી આપતા યુવા સેનાના લીડર અને સલમાન સાથે કામ કરી રહેલા રાહુલ એસ. કનાલે કહ્યું કે, તેમણે આ છોકરાને રાશન અને ભણવા માટે સાધનો આપ્યા છે. છોકરાને જ્યારે પણ અમારી જરૂર હશે ત્યારે અમે હાજર થઈશું અને જોઈતી વસ્તુ લઈ આપીશું, તેમ રાહુલે ઉમેર્યું.

સલમાનના ફેન્સ પણ અન્ય લોકો સુધી મદદ પહોંચાડી રહ્યા છે. રાહુલે કહ્યું- 'સલમાન ખાને અમને કહ્યું છે કે, આ મુશ્કેલીની સમયમાં જરૂરિયાતમાં હોય તેવા દરેક વ્યક્તિની મદદ કરવી. એક્ટરને તેના દરેક ફેનક્લબ વિશે, તેની સમક્ષ રજૂ થતી દરેક વિનંતી વિશે અને જે લોકો મદદ કરી રહ્યા છે તેના વિશે જાણ છે. '

થોડા દિવસ પહેલા સલમાન ખાને 5,000 ફ્રંટલાઈન વર્કર્સ માટે ભોજન અને જરૂરી સાધનસામગ્રી મોકલ્યા હતા. ઈન્દોરમાં આશરે 180 બ્લડ પ્લાઝમા ડોનેશન સલમાન ખાનના ફેન ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે. સલમાન ખાનની ગણતરી બોલિવુડના દરિયાદિલ કલાકારોમાં થાય છે ત્યારે આ કપરા કાળમાં પણ તે થાય તેટલી મદદ કરી રહ્યો છે.