આણંદ : રાજ્યભરની યુનિવર્સિટીમાંથી સિન્ડિકેટ સભ્યની સત્તા ખતમ કરવા સાથે ગવર્ન્િંાગ બોડી રચવાનો તખતો ગોઠવાઈ રહ્યો હોવાનું કહેવા છે. આ તખતો ગોઠવવા સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતાની ચર્ચા ગતરોજના સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ બેઠક બાદ સાંભળવા મળી હતી. એવી પણ ચર્ચા હતી કે, યુનિવર્સિટીમાં રાજકીય રાજ ઊભાં કરવામાં આવશે. જાે એવું થશે તો ચારેબાજુ વિરોધ પ્રદર્શન થશે એવી પણ ચર્ચા સાંભળવા મળી હતી.

રાજ્યભરની કેટલીક યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીના મતના આધારે લોકશાહી પ્રણાલી મુજબ સિન્ડિકેટ સભ્ય ચૂંટાઈ છે. જાેકે, હવે સરકાર યુનિવર્સિટીમાંથી લોકશાહી પ્રણાલીથી ચૂંટાતા સિન્ડિકેટ સભ્યના રાજને ખતમ કરી ગવર્ન્િંાગ બોડીની રચના કરવા તખતો ગોઠવી રહી હોવાનું સાંભળવા મળ્યું હતું. અલબત્ત, સરકાર દ્વારા ગવર્ન્િંાગ બોડી ઊભી કરવામાં આવશે તો રાજકીય દખલગીરી યુનિવર્સિટીમાં વકરશે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી. બીજી બાજુ સરકાર દ્વારા આ મુજબનું આયોજન કરવામાં આવે તો શિક્ષણ સંસ્થાઓના સવાલના નિરાકરણ લાવવામાં સમસ્યાઓ ઊભી થવાનો સંદેહ પણ વ્યક્ત કરાયો હતો. એક એવી પણ ચર્ચા હતી કે, યુનિવર્સિટીમાં સરકાર દ્વારા વાઇસચાન્સેલરની થતી નિમણૂકમાં પણ યુજીસીના નિયમોની અવગણના કરી ઘણી વખત અપોઇન્મેન્ટ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરનારી સરકારમાં જ દિવા તળે અંધારુંની પરિસ્થિતિ ઊભી થઈ છે. એવું પણ કહેવાય છે કે, યુનિવર્સિટીમાં સિન્ડિકેટની અવેજીમાં ગવર્ન્િંાગ બોડી ઊભી થશે તો ભ્રષ્ટાચારને વેગ મળવાની આશંકા છે.

આ ચર્ચા પાછળ એસપી યુનિવર્સિટીમાં આગામી માર્ચમાં આવી રહેલી સિન્ડિકેટની ચૂંટણી છે. આગામી માસમાં એસ.પી.યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. બીજી બાજુ ૧લી માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે. એવું કહેવાય છે કે, સરકાર આ સત્રમાં બિલ લાવે તેવી શક્યતા શિક્ષણ સંસ્થાઓ દ્વારા સેવવામાં આવી રહી છે. જાેકે, વર્તમાનમાં ચૂંટાયેલાં સિન્ડિકેટ સભ્ય ઉપરાંત સરકાર દ્વારા પણ નિયુક્તિ કરવામાં આવતી હોય છે, પરંતુ જાે ગવર્ન્િંાગ બોડી બને તો સરકાર પોતાના પક્ષના નેતાઓને જ તેમાં સામેલ કરે એવાં સમયે શિક્ષણનો ખો નીકળવાની દહેશત રહેલી છે. એસ.પી. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ આક્રોશ વ્યક્ત કરી સરકાર દ્વારા આ મુજબનો ર્નિણય લેવાશે તો રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી.

બાયો સાયન્સ વિભાગમાં લાગેલી આગ અને નુકસાન મુદ્દે યુનિ.ની ચૂપકીદી કેમ?

અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીના બાયો સાયન્સની લેબમાં ગત જૂન માસમાં આગ લાગ્યાની ઘટના બની હતી. આ આગમાં અંદાજે દસ કરોડ જેટલું નુકસાન થયાનું ખુદ યુનિવર્સિટીના વાઇસચાન્સેલર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ મુદ્દે છેલ્લાં આઠ માસમાં યોજાયેલી એકેય સિન્ડિકેટની બેઠકમાં ચર્ચા કેમ કરવામાં આવતી નથી? એ વિશે સવાલ ઊઠવા પામ્યાં છે. શું વિમા પ્રીમિયમને લઈને કોઈ ગરબડ થઈ હતી? અનેક તર્ક-વિતર્ક સર્જાયાં છે!