વડોદરા, તા.૩૦ 

વડોરા શહેરમાં કોરોનાના કારણે મૃત્યું પામનાર દર્દીઓના આંક વધવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. આજે પણ એક સંત સહિત છ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં. જ્યારે કોરોના ડેથ ઓડીટ કમિટીએ વિતેલા ૨૪ કલાકમાં વધુ બે દર્દીઓના કોરોનામાં મૃત્યું થયાનું સત્તાવાર જાહેર કરતા આજે કોરોનામાં મોતને ભેટનાર દર્દીઓનો કુલ મૃત્યું સંખ્યા ૫૫ ઉપર પહોંચી હતી. આ સાથે આજે નવા વધુ બાવન દર્દીઓના કોરોના પોઝિટિવ આવતાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૨,૨૮૦ ઉપર પહોંચી છે. તદઉપરાંત શહેરના વિવિધ ૨૧ વિસ્તારો તથા પાંચ ગામડા વિસ્તારોમાંથી ૨૮૨ જેટલા શંકાસ્પદ વ્યક્તિએ કોરોના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જેમાં બાવન પોઝિટિવ તથા ૨૩૦ નેગેટિવ રીપોર્ટ આવ્યા હતાં. શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ૬૨૪ દર્દીઓ પૈકી ૪૫૯ દર્દીઓ સ્ટેબલ તથા ૧૨૬ દર્દીઓ ઓક્સીજન તથા ૩૯ દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું હતું. સારવાર દરમિયાન કોરોના મુક્ત થયેલા ૩૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા ૧૬૦૧ થઇ હતી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ પૈકી આજે અવધુત નાથપંથ સંત સહિત ચાર પોઝિટિવ અને ત્રણ શંકાસ્પદ મળી સાત દર્દીઓ મૃત્યું પામ્યા હતાં. જેમાં શહેરના વડસર અક્ષર રેસીડન્સીમાં રહેતા ૬૮ વર્ષના પુરૂષ દર્દીને શ્વાસ લેવાની તકલીફને કારણે સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેમનો કોરોના રીપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા દશ દિવસથી સારવાર લઇ રહેલા દર્દીનું મોત થયું હતું. ફતેપુરા કોયલી ફળિયામાં રહેતા ૬૫ વર્ષના મહિલા દર્દી ખાંસી અને શ્વાસની બિમારીની સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. ગત ૨૧મીના રોજ દાખલ કર્યાે બાદ તેણીનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન મહિલાનું મોત થયું હતું. ગોધરા ડબગરવાસમાં રહેતાં ૬૮ વર્ષિય મહિલા દર્દીને હૃદયની તકલીફને કારણે દાખલ કર્યો હતાં. તેમનો સારવાર દરમિયાન કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તબિબો તેમની સઘન સારવાર હાથ ધરી હતી પરંતુ દર્દીનું મોત નિપજ્યું હતું. છોટાઉદેપુર તાલુકાના વાકોલ ગામે રહેતા ૮૬ વર્ષના વૃદ્ધને શંકાસ્પદ કોરોના લક્ષણો સાથે સારવાર માટે શહેરની કોરોનાની સારવાર આપતી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 

માંજલપુર વિસ્તારમાં રહેતા નાથપંથીના સંતને હદયની તકલીફના કારણે તેમને જેતલપુર રોડ સ્થિત આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દરમિયાન સંતનું અવસાન થયું હતું. આ તમામ મૃતકોના સરકારીની કોરોનાની ગાઇડ લાઇન મુજબ કારેલીબાગ ખાસવાડી સ્મશન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી. જ્યારે શહેરના તાંદલજા ગુલનાથ બંગલોઝમાં રહેતા ૫૬ વર્ષના દર્દીને શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના લક્ષણો સાથે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેમનો કોરોના રીપોર્ટ આવે એ પહેલાં જ મૃત્યું થયું હતું. તેમની દફનવિધિ કારેલીબાગ માતરીયા કબ્રૃસ્તાનમાં કરવામાં આવી હતી.

સેવાસદનના કોંગી મહિલા કાઉન્સિલરના પતિનો રિપોર્ટ પોઝિટિવ

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના મહિલા કોગી કાઉન્સીલરના પતિને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા સેવાસદનની કોંગ્રેસ ઓફિસમાં સેનેટાઇઝ કરાયું હતું. તદઉપરાંત તેઓ અવાર નવાર કોર્પોરેશનના વહીવટી વોર્ડ નં.૮માં મુલાકાત લેતા હોવાથી વહીવટી વોર્ડની કચેરીને પણ સેનેટાઇઝ કરાયું હતું. મહિલા કોંગી કાઉન્સીલરના નિવાસ સ્થાને પણ આરોગ્ય ટીમ પહોંચીને આરોગ્ય લક્ષણ કામગીરી હાથ ધરી હતી. એટલું જ આ વિસ્તારના સ્થાનિકોમાં ભારે ઉત્તેજના વ્યાપી હતી.

સંતના શિષ્યો પાસે કોરોનાની કિટના એક્સટ્રરા રૂપિયાની માગ કરતા ભારે રોષ

માંજલપુર વિસ્તારમાં એક નાથપંથી સંત હાર્ટની બિમારીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દેવલોક પામ્યા હતાં. ખાનગી હોસ્પિટલના તબિબે સારવાર માટે રૂ.૪૦ હજારનું પેકેજ આપ્યું હતું. અને રૂ.૧ લાખ ડિપોઝીટ જમા કરાવી હતી. તબિબોએ કોરોનાનો રીપોર્ટ કર્યો વગર જ તેઓને રૂ.૧.૪૦ લાખનું બિલ આપ્યું હતું. જેથી લાગણીહીન અને માનવતા નેવે મુકી તબિબોએ કોરોનાની કીટ એક્સ્ટ્રા રૂપિયાની માગણી કરતા સંતના શિષ્યો અને સેવકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી.