અમદાવાદ-


દારૂબંધીના કારણે ગુજરાતનું ટુરીઝમ નબળુ પડ્યું, ડ્રગ્સનું વેચાણ વધ્યું: સાયન્ટીફિક પોલિસી બનાવવા શંકરસિંહ વાઘેલાની માગણી


ગુજરાતમાં દારૂબંધીની નીતિને લઈને શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમણે દારૂબંધીની નીતિ પર ફરી એક વખત વિચારણા કરવાની માગ કરી છે. તેમણે લોકોને દારૂબંધીની નીતિમાંથી છુટકારો અપાવવાની પણ વાત કરી છે, જેમાં શંકરસિહે ગુજરાતમાં દારૂબંધી કેમ દૂર થવી જોઈએ તેનાં કેટલાંક કારણો આપ્યાં હતાં, જેમાં ગુજરાતમાં દારૂબંધી એક નાટક છે, વૈજ્ઞાનિક રીતે દારૂબંધીનો અમલ થવો જોઇએ, દારૂબંધી નીતિથી ભ્રષ્ટાચાર વધે છે. દારૂબંધી નીતિના કારણે ટૂરીઝમ નબળું થઈ ગયું છે, ગુજરાતના લોકોને પ્રવાસન માટે દીવ,દમણ, મુંબઇ, આબુ, શામળાજી-ઉદેપુર ન જવું પડે, તેમ જ ગુજરાતમાં એક કિલોમીટરનો એરિયા એવો નહીં હોય કે જ્યાં દારૂ ન વેચાતો હોય.

શંકરસિંહ જણાવે છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. એટલા માટે હું દેશની જનતાને અને ગુજરાતની જનતાને કહેવા માગું છું કે દારૂબંધી નીતિથી ભ્રષ્ટાચાર વધે છે. પોલીસનું બધું કામ દારૂને પકડો અને તેનો નાશ કરવાનો થઈ જાય છે. એટલા માટે દારૂબંધીની નીતિનો વિચાર થવો જોઈએ સાયન્ટિફિક પોલિસી થવી જોઈએ અને આ પોલિસી આ બાબતે હું પંચામૃત નામની વસ્તુ ગુજરાતની જનતાને આપવા માગું છું કે જેમાં દારૂબંધી હટાવો અને સાયન્ટિફિક એપ્રોચવાળી દારૂબંધી નીતિ દુનિયાભરમાં છે તેવી નીતિ તૈયાર કરવામાં આવે અને તેના કારણે ગુજરાતની અંદર આવકમાં વધારો થશે. ટવીટર ઉપર બાપુ ફોર ગુજરાત હેસટેગ હેઠળ એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં નામમાત્રની દારૂ બંધીના નુકશાન અને દારૂબંધી હટાવવાના ફાયદા અંગે જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આક્રમક તેવર બતાવી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાના પક્ષમાં છે. આ વિશે અનેકવાર તેઓ જાહેરમાં બોલી ચૂક્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેઓએ ગુજરાતીઓને સ્પષ્ટ વાત પૂછી છે કે, શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? આ ઉપરાંત તેઓએ દારૂબંધીની વિરુદ્ધમાં એક અભિયાન પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો છે.