આણંદ, નડિયાદ, તા.૨૦ 

આજથી પવિત્ર શ્રાવણ મહિનાની પણ શરૂઆત થઈ રહી છે. વર્ષોની પરંપરા આજે તૂટશે. કોરોનાના ભય વચ્ચે શિવભક્તો દ્વારા કોરોનાને કારણે દુગ્ધાભિષેક, જલાભિષેક નહીં કરી શકાય. વર્ષોના ઈતિહાસમાં આવું પહેલી વખત થશે, જેનો રંજ રહેવા પામનાર છે.

જાેકે, શિવભક્તોના જણાવ્યાં મુજબ, શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા ભગવાન શિવજીને કોરોનાથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના પણ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે તમામ મંદિરોમાં ભક્તોનો ધસારો ખાળવા માટે ઓનલાઇન દર્શનની સુવિધાની સાથે સાથે મંદિરે આવતાં શ્રદ્ધાળુઓને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સિંગના કડક પાલન સાથે પૂજન - દર્શનનો સમય નિયત કરવામાં આવ્યો છે.

હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણને આસ્થાનો મહિનો ગણાવવામાં આવે છે. દેવાધિદેવ મહાદેવજીની પૂજા શ્રાવણ માસમાં તમામ શિવાલયોમાં શ્રદ્ધાપૂર્વક કરાય છે. શિવભક્તોથી શિવમંદિરો ઉભરાય છે. હર હર મહાદેવના ગુંજારવ વાતાવરણને પવિત્ર બનાવે છે.

શ્રાવણ માસના આગમનને ગણતરીના કલાકો બાકી છે. નડિયાદ અને આણંદ શહેર સહિત જિલ્લાભરના સ્થાનિક શિવાલયોમાં શ્રાવણ માસમાં ભગવાન શિવજીની પૂજા-અર્ચનાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ માંઇ મંદિર ખાતે આવેલા શિવાલય ઉપરાંત છાંગેશ્વર મહાદેવ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ, રણમુક્તેશ્વર મહાદેવ, રાકડેશ્વર મહાદેવ, મોટા મહાદેવ, પુનેશ્વર મહાદેવ સહિતના તમામ મંદિરોમાં ખાસ પૂજન અર્ચન કરવામાં આવશે. આ ઉપરાંત રઢુના પ્રખ્યાત કામનાથ મહાદેવ, ગળતેશ્વર મહાદેવ, શંકરાચાર્ય સહિતના મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે ખાસ પૂજન - અર્ચન, હવનના કાર્યક્રમ યોજાશે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીને લઇને ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે જ શિવ પૂજન કરાશે.