વડોદરા : જિલ્લાના તત્કાલીન પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વિટી પટેલ ગુમ થયાના ચકચારી પ્રકરણનો ૪૯ દિવસ બાદ ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જેમાં લગ્ન સંબંધિત બંને વચ્ચેની અવારનવાર તકરારને લઈને પીઆઈએ ૪ જૂનની મોડી રાત્રે પત્ની સ્વિટીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ મિત્રની મદદથી લાશને અવાવરું મકાનમાં લઈ જઈ સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યો હોવાનો ઘટસ્ફોટ પીઆઈએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કરતાં પોલીસબેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. આ ચકચારી બનાવમાં તત્કાલીન પીઆઈ અજય દેસાઈ તેના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે હત્યા અને પુરાવાનો કરવા બદલનો ગુનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

કરજણ ખાતેની પ્રયોશા સોસાયટીમાંથી પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વિટીબેન ગત તા.પ-૬-ર૦૨૧ના રોજ મોડી રાત્રે ગુમ થયા અંગેની નોંધ કરજણ પોલીસ મથકે નોંધાયા બાદ સમગ્ર કેસની તપાસ કરજણના પીઆઈ પટેલ પાસેથી લઈને જિલ્લાના ડીવાયએસપી કલ્પેશ સોલંકીને સોંપવામાં આવી હતી. ભેદી સંજાેગોમાં ગુમ થનાર સ્વિટી પટેલની ભાળ મેળવવા માટે સમગ્ર સ્વિટી પટેલની ભાળ મેળવવા માટે સમગ્ર રાજ્યની સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં તપાસ લંબાવવામાં આવી હતી. આ તરફ જિલ્લા પોલીસે દહેજ અને તેની આસપાસના અંતરિયાળ ગામોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં દહેેજના અટાલી ગામના એક અવાવરું મકાન અને તેની પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળી આવ્યાં હતાં. જે હાડકાં માનવશરીરના હોવાનું તારણ સુરત એફએસએલના રિપોર્ટમાં બહાર આવ્યું હતું. બીજી તરફ સ્વિટી પટેલ ગુમ કેસમાં જિલ્લા પોલીસની કામગીરી નિષ્ફળ ગઈ હતી અને આ કેસમાં કોઈ જ પ્રગતિ નહીં જણાતાં આ કેસની તપાસ આખરે રાજ્યના ગૃહમંત્રીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. અત્યાર સુધી પત્ની ગુમ થયા અંગેની મને કોઈ જ ખબર નથી તેવું રટણ કરતા પીઆઈ અજય દેસાઈએ અંતિમ ક્ષણે નાર્કો ટેસ્ટના પરિક્ષણ માટે ના પાડતાં મૂંઝવણમાં મુકાયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ વિવિધ થિયેરીથી શરૂ કરી હતી. ગઈકાલે પીઆઈના કરજણના નિવાસસ્થાને હાથ ધરવામાં આવેલી તપાસમાં બાથરૂમની ફર્શ પરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. આ લોહીના ડાઘા મળી આવ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીઆઈ અજય દેસાઈની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકાયો હતો. જેમાં પીઆઈ અજય દેસાઈએ તેમના પત્ની સ્વિટી પટેલની હત્યા કરી હોવાની કબૂલાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી.ચૂડાસમા સમક્ષ કરી હતી. જેમાં પીઆઈ અને તેમના પત્ની સ્વિટી પટેલ વચ્ચે લગ્ન સંબંધિત તકરાર ઘણાં સમયથી ચાલતી હતી. ગત તા.૪-૬-૨૦૨૧ના રોજ રાત્રે પણ આ મુદ્‌ે બંને વચ્ચે બોલાચાલી - ઝઘડો થયો હતો. જે ઝઘડાથી ઉશ્કેરાઈ જઈને પીઆઈ અજય દેસાઈએ તેમના પત્ની સ્વિટી પટેલનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ તેણીની લાશને આખી રાત મકાનના ઉપરના માળે બેડરૂમમાં મુકી રાખી હતી. બીજા દિવસે સવારે લગભગ પોણા ૧૧ વાગે પીઆઈએ પોતાની કાળા રંગની કંપાસ જીપમાં પેક કરેલી સ્વિટીની લાશને ડિકીમાં મૂકયા બાદ પત્ની ગુમ થયા અંગેની જાણ તેના સાળા જયદીપ પટેલને કરી હતી. ત્યાર બાદ પીઆઈએ તેના મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદથી નમતી બપોરે સ્વિટીની લાહ દહેજના અટાલી ગામના પાટિયા પાસે આવેલી કિરીટસિંહની હોટેલના પાછળના ભાગે લઈ ગયા હતા, જ્યાં લાશને સળગાવી દીધી હતી. જે કબૂલાતને પગલે પીઆઈ અજય દેસાઈ અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ સ્વિટીના ભાઈ જયદીપ પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે કરજણ પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે, જ્યારે આ ગુના સંદર્ભની વધુ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી.બારડને સોંપવામાં આવી છે.

અજયે પુત્રની હાજરીમાં જ પત્નીની હત્યાને અંજામ આપ્યો હતો

વડોદરા. સ્વિટી પટેલ ગુમ થવાના પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં તત્કાલીન પીઆઈએ પત્ની સ્વિટીની હત્યાની કબૂલાત કરતાં સનસનાટી મચી ગઈ છે. અજય દેસાઈ અને સ્વિટી લીવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. ત્યાર બાદ પીઆઈ અજયે બીજા લગ્ન કરતાં જ સ્વિટી વચ્ચે નાની નાની બાબતોમાં તકરાર શરૂ થઈ હતી. આ તકરારથી કંટાળીને અજય દેસાઈએ એક મહિના અગાઉ જ સ્વિટીની હત્યાની યોજના બનાવી હતી. હત્યાનો અંજામ આપતી વખતે પીઆઈએ બાજુમાં સૂઈ રહેલા પોતાના બાળકની પણ ચિંતા કરી ન હતી અને પોતાની જિંદગીમાંથી સ્વિટીનો કાંટો હંમેશ માટે કાઢી નાખ્યો હતો. સ્વિટી પણ પહેલા પતિને છોડી અજય સાથે રહેતી હતી.

નવલખી બળાત્કાર કેસ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો હતો

વડોદરા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની વિશેષતા એ છે કે ગમે તેવો ટાસ્ક આપવામાં આવે તેને ઝડપથી પાર પાડે છે. અત્યાર સુધીના રેકોર્ડમાં કોઈ પણ આરોપી હોય તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ટ્રોગેશનમાં ભાંગી પડે છે. અગાઉ પણ નવલખી ખાતે સગીરા સાથે થયેલા સામૂહિક બળાત્કારના કેસનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો હતો. હાલમાં પણ સ્વિટી પટેલ ગુમ થયાના પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે.