પાલિકાના સત્તાવાળાઓને કર્મચારીઓ ગાંઠતા નથી એનો પુરાવો આપતો વધુ એક બનાવે શાસકોની નિષ્ફળતા છતી કરી છે. અગાઉ કોર્પોરેટર બાદ મેયરે ખુદ ગટરમાં ઉતરવું પડયું હતું. ત્યારે આજે સ્થાયી સમિતિના ચેરમેને વરસાદી કાંસ ખોલી દેશીદારૂની પોટલીઓનો જથ્થો બહાર કાઢવો પડયો હતો. જેને લઈને પાલિકા સત્તાધીશો સામે શહેરીજનોમાં ફિટકારની લાગણી જન્મી છે.

શહેરની દરેક વરસાદી કાંસમાં ગટરના કનેકશનો જાેડી દેવાય છે એ વાત દરેક શહેરીજન જાણે છે. અરે, ગટર બ્લોકેજના જ્યાં જ્યાં પ્રશ્નો સર્જાય છે એવા વિસ્તારોમાં જરૂર નહીં હોવા છતાં વરસાદી કાંસ બનાવી એમાં ગટરના કનેકશનો આપી દેવાય છે. ત્યારે વરસાદી કાંસ પણ બ્લોક થઈ જતાં પુનઃ સમસ્યાઓ ઊભી થાય છે. કર્મચારીઓ ચૂંટાયેલી પાંખને ગેરમાર્ગે દોરતા હોવાના અસંખ્ય બનાવો અગાઉ બહાર આવી ચૂકયા છે.

પાલિકાના વહીવટી વોર્ડ નં. ૫ અને ઈલેક્શન વોર્ડ નં.૧૩માં સમાવિષ્ટ નવાપુરા, ગોદડિયાવાસ અને રબારીવાસમાં છેલ્લા ઘણા સમયથી પીવાના દૂષિત પાણીની સમસ્યા હતી. આજે પાલિકાતંત્ર દ્વારા વિસ્તારમાં તમામ વરસાદી કાંસ ખોલી તપાસ કરતાં સંખ્યાબંધ દેશીદારૂની પોટલીઓની ખાલી કોથળીઓનો જથ્થો નીકળતાં સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સહિત પાલિકાના કર્મચારીઓ ચોંકી ઊઠ્‌યા હતા. શહેરમાં સમાવિષ્ટ નવાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે. આ બાબતે સ્થાનિક રહીશો સહિત વિસ્તારના કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું ન હતું. કયા કારણોસર આ વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે તેનો ફોલ્ટ શોધવા સ્માર્ટ એન્જિનિયરો પણ નિષ્ફળ નીવડ્યા હતા. દરમિયાન આ ફોલ્ટ શોધવાનું બીડું સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે ઝડપ્યું હતું અને આજે તેઓ પાલિકાના કર્મચારીઓને સાથે રાખી નવાપુરા ગોદડિયા વાસ અને રબારી વાસમાં વરસાદી કાંસો ખોલી તપાસ કરી હતી.

ચેરમેનની તપાસમાં વરસાદી કાંસમાંથી જળ કરતાં જથ્થાબંધ દેશીદારૂની ખાલી પોટલીઓની પ્લાસ્ટિકની કોથળીઓ નીકળતાં હાજર અધિકારીઓ અને કર્મચારીઓ ચોકી ઊઠ્‌યા હતા. વરસાદી કાંસમાંથી દેશીદારૂની આટલી મોટી સંખ્યામાં ખાલી પોટલીઓ મળી આવતાં નવાપુરા દેશીદારૂનું હબ બન્યું હોય તેમ ફલિત થાય છે, જ્યારે બીજી તરફ નવાપુરા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી હતી.