અમદાવાદ, કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવિર વિતરણ મુદ્દે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની વિરુદ્ધમાં હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી જેને લઈને બુધવારના રોજ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં સી. આર. પાટીલે રજૂ કરેલા સોગંદનામામાં કોંગ્રેસ પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને કહ્યું છે કે પરેશ ધાનાણીને દંડ ફટકારવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે .તેઓએ ઈંજેકશનની કોઇ સંગ્રહખોરી કરી નથી તેવું પણ સોગંદનામામાં રજૂઆત કરી છે. પાટીલે જણાવ્યુ હતું કે આ વિપક્ષ સહિત કેટલાંક લોકોએ રાજકીય લાભ લેવા માટે થઈને આ કામ કર્યું છે. કોરોના કાળમાં મે લોકોની મદદ કરવા માટેના હેતુથી આ ઈંજેકશન વહેંચ્યા હતા. તેમણે સોંગદનામામાં આવી પણ રજુઆત કરી છે કે વિરોધ પક્ષના નેતાને આ મામલે દંડ ફટકરવો જાેઈએ.

જાેકે પરેશ ધાનાણીએ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી અને રાજ્યપાલને મળીને આ વિશે રજૂઆત કરી હતી. ત્યારબાદ આ મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સી. આર. પાટીલ બાદ સુરતના જ ધારાસભ્ય હર્ષ સંઘવીનું પણ નામ ચર્ચામાં આવ્યું હતું. સુરતમાં સી. આર. પાટીલ દ્વારા ૫ હજાર જેટલા ઈંજેકશનની વહેચણી કરવામાં આવી હતી. જેમાં એક તરફ બીજી લહેરમાં કોરોનાના દર્દીઓ માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ દર્દીના જીવ બચાવવા માટે એક સ્થળેથી બીજા સ્થળે ધક્કા ખાઈ રહ્યા હતા. રેમડેસિવર ઇન્જેકશનની કારમી ખેંચ વચ્ચે પ્રદેશ પ્રમુખે ૫ હજાર જેટલા ઈંજેકશન વહેચતા રાજકારણ ગરમાયું હતું. જેમાં વિરોધ પક્ષે લાભ લઈને રાજ્યપાલ સુધી રજૂઆતો કરી હતી. આખરે વિરોધ પક્ષે આ મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. હાઇકોર્ટની ટકોર બાદ બુધવારના સી. આર. પાટીલે સોગંદનામું રજૂ કર્યું હતું.