ગાંધીનગર, કેન્દ્ર સરકારના ડાયરેકટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ડીજીસીઆઈ) દ્વારા એક વર્ષ અગાઉ દરેક રાજ્યોને ચેતવણી આપતો પત્ર લખીને ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે જણાવાયું હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે આજે રાજ્યના અનેક દર્દીઓએ ઓક્સિજનના અભાવે પોતાના જીવ ગુમાવ્યા છે, તેમાં રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કર્યો છે.રાજ્યમાં ઓક્સિજન અને આરોગ્યની સ્થિતિ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના ડીજીસીઆઈ દ્વારા ગુજરાત સહિત તમામ રાજ્યોને એક વર્ષ અગાઉ ચેતવણી આપતો પત્ર બહાર પાડ્યો હતો. જેમાં ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાના ડ્રગ કન્ટ્રોલર ડૉ.વી.જી.સોમાણીએ તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જેમ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું.પત્રમાં કોરોનાની મહામારીને અનુલક્ષીને ઓક્સિજન પ્લાન્ટ માટેના નવા લાઇસન્સની મંજૂરી આપવા માટે કહ્યું હતું.કોંગ્રેસ પ્રવક્તા ડૉ. દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિય એ ચેતવણી આપી હતી, રાજ્ય સરકાર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે આજે રાજ્યમાં અનેક લોકોના ઓક્સિજનના અભાવે જીવ ગયા છે, તેના માટે હવે જવાબદાર કોણ? રાજ્યમાં ઓક્સિજનની અછત સામે સરકારનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ જવાબદાર કહી શકાય.

ડૉ. દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની મહામારીમાં હોસ્પિટલોમાં બેડની અછત વચ્ચે લોકોને યોગ્ય સારવાર નથી મળી રહી. આજે રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. જેના કારણે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ ૬૬ દર્દીઓના ઓક્સિજનના અભાવે મોત નીપજ્યા છે તેવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. રાજ્ય સરકારની પોલિસી પેરાલિસિસના કારણે રાજ્યમાં ઓક્સિજન નથી મળી રહ્યો. વર્ષ ૨૦૨૦ની પાર્લામેન્ટની સ્ટેડિંગ કમિટીએ દેશની રાજ્ય સરકારોનું આ મામલે ધ્યાન દોર્યું હતું. આમ છતાં રાજ્યમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે.