બાલાસિનોર : બાલાસિનોર નગરપાલિકા વિસ્તારના તળાવ દરવાજાથી હાઇસ્કૂલને જાેડતો રસ્તો ઉબડખાબડ હોય પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. નગરજનો અને સિનિયર સિટિઝનો આ રસ્તાનો મોર્નિંગ વૉક તરીકે ઉપયોગ કરતાં હોય આ રસ્તા પરથી નગરના વિવિધ મંદિરો અને બાગ બગીચાઓમાં જવા માટેનો મુખ્ય રસ્તો છે. પરિણામે નગરજનોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. પોતાની રજૂઆત પાલિકામાં કરવામાં આવી હતી, જેની પાલિકાના ચૂંટાયેલાં સભ્યો દ્વારા ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ધોરણે રસ્તાઓ મંજૂર કરાવી આજરોજ તેનું ખાતમુહૂર્ત થતાં નગરજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. 

બાલાસિનોર નગરપાલિકાના પ્રમુખ ભુપેન્દ્ર ચૌહાણ, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ સોની, ઉપ-પ્રમુખના પ્રતિનિધિ કૈયુરભાઇ પટેલ તથા ચૂંટાયેલાં સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સીસી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અંદાજિત ૫૦૦ મીટરનો રસ્તો, ખારીવાવનો રસ્તો, નગરમાં ટાઉન હોલ વગેરે વિકાસના કાર્યો બાલાસિનોર નગરપાલિકા દ્વારા ચાર કરોડ ઉપરાંત વિકાસનાં કામો કરવામાં આવી રહ્યાં છે.