રાજપીપળા,  પ્રકૃત્તિ અને વન્યપ્રાણીઓને નજીકથી નિહાળવા માટે તમે જાે આફ્રિકા કે કેન્યા જવાનું આયોજન કરતા હો તો તે માંડી વાળવા જેવું છે. એનું કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ! સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સાથે ત્યાં બનાવવામાં આવેલા જંગલ સફારીનો પ્રવાસ આફ્રિકા કે કેન્યા ટૂરનો અહેસાસ કરાવશે. મોગલી એટલે એ ખૂબ જાણીતી બાળ કથાઓના નાયક જેવા જંગલ સફારીમાં એનિમલ કિપર તરીકે નોકરી કરી રહ્યા છે તેવા આદિવાસી યુવાનો જે હિંસક વન્ય પ્રાણીઓ અને નિર્દોષ પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયાં છે. આ જંગલ સફારી પાર્કના કારણે કેવડિયા આસપાસના ૧૫૦ સુધી બહારના જિલ્લામાં રોજગારી માટે સ્થળાંતર કરી ગયેલા આદિવાસી યુવાનો ઘર આંગણે સારા પગારે નોકરી મળતા વતનમાં સુખદ ઘર વાપસી કરી શક્યા છે.તેમાં ૬૭ યુવાનો એવા છે જે અત્યારે એનિમલ કિપર તરીકે કામ કરી રહ્યા છે. અહીં ગાઇડ તરીકે કામ કરતા યુવાનો બહુધા આદિવાસી યુવક યુવતીઓ છે. જે હાઈ પ્રોફાઈલ પ્રવાસીઓ અને મોંઘરા મહેમાનો સાથે આત્મવિશ્વાસથી વાતો કરે, સફારી પાર્કમાં રહેલા પાણીઓની વિગતો રસપ્રદ રીતે સમજાવે છે.