વલસાડ,  વલસાડ જિલ્લામાં કોઇ પ્રકારના અસામાજીક તત્ત્વો સામે સખત હાથે કાર્યવાહી કરી નશ્વત કરવા આજે કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી જિલ્લાના પોલીસ અધિકારીઓની બેઠકમાં જિલ્લા કલેકટર આર.આર.રાવલે તાકીદ કરી છે. બેઠકને સંબોધતા કલેકટરશ્રી રાવલે જિલ્લામાં શાંતિ અને કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને જિલ્લામાં કોઇ પ્રકારના ગુન્‍હાઓને અવકાશ ન રહે તે માટે પૂરતા પગલાં લેવા જણાવી ખાસ કરીને લોકોને રંજાડતા અસામાજીક તત્‍વો અને ગુનેગારો સામે તડીપાર કરવા પાસાની દરખાસ્‍તો કરવા સૂચના આપવાની સાથે ગુનેગારી કરતા તત્ત્વોને કડકમાં કડક હાથે ડામી દેવા તાકીદ કરી છે. વધુમાં નવા લેન્‍ડ ગ્રેબિંગ કાયદા નીચે આવા ભૂ-માફિયાઓ સામે પણ નવા કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવા પણ કલેક્‍ટરશ્રીએ પોલીસ અધિકારીઓને જણાવ્‍યું છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહયા હતા.