વડોદરા, તા.૧૧ 

રાજ્ય સરકારની જાહેરાત બાદ એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના ફાઈનલ ઈયરના વર્ગો શરૂ ન થતાં વિદ્યાર્થીઓએ વિરોધ કરી યુનિવર્સિટીમાં ક્લાસ શરૂ કરવાની માગ કરી હતી. યુનિ. દ્વારા હજુ ઑનલાઈન ક્લાસ ચલાવાઈ રહ્યા છે. જાે કે, ડીને વિદ્યાર્થીઓને બેસાડવાની વ્યવસ્થા ન હોવાથી ઑનલાઈન ક્લાસ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

કોરોના મહામારીમાં ૯ મહિના બાદ ગુજરાતમાં આજથી શાળા-કોલેજાે શરૂ થઈ છે. પરંતુ વડોદરાની એમ.એસ.યુનિ.ની સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી કોમર્સ ફેકલ્ટી શરૂ ન કરાતાં વિદ્યાર્થીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે અને એજીએસયુ ગ્રૂપ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ફાઈનલ ઈયરના વર્ગો શરૂ કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરીને ડીનને આવેદનપત્ર આપ્યું હતું.

જાે કે, ડીને આ અંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવાની વ્યવસ્થા ફેકલ્ટીમાં ન હોવાથી હાલમાં વર્ગો શરૂ કરાશે નહીં. ટીવાય બીકોમ અને એમ.કોમ. ફાઈનલમાં ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે રપ૦૦ જેટલા વિદ્યાર્થીઓને જ બેસાડવાની વ્યવસ્થા છે. હવે ૧૫ ટકા જેટલો જ કોર્સ બાકી હોવાથી ઑનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે.