ભરૂચ ઝઘડિયામાં બંધ કરવામાં આવેલી રેફરલ હોસ્પિટલ ફરી શરૂ કરવા આરોગ્ય મંત્રીને ઝઘડિયા ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.બંધ થયેલી રેફરલ હોસ્પિટલ શરૂ કરવા અથવા મીની સિવિલ હોસ્પિટલ ઝઘડીયા તાલુકાને આપવા રજૂઆત કરવામાં આવી છે.

ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ આમ ત્રણ તાલુકામાં પ્રજાને સરકારી મોટી હોસ્પિટલનો કોઈ લાભ મળતો નથી. જેથી ઝઘડિયા પંચાયતની માંગને અગ્રીમતા આપવા રજૂઆત થઈ છે.ઝઘડિયા સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય મંત્રીને ઝઘડીયા તાલુકાની બંધ કરવામાં આવેલ રેફરલ હોસ્પિટલ ફરીથી શરૂ કરવા અથવા હાલમાં નવા પ્રોજેક્ટ મુજબ ઝઘડિયા ખાતે મીની સિવિલ હોસ્પિટલ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે ઝઘડીયા તાલુકા ભાજપ મોરચા દ્વારા પણ રેફરલ હોસ્પિટલ ફરી શરૂ કરવા અથવા મીની સિવિલ હોસ્પિટલ ફાળવવા લેખિતમાં રજૂઆત થઈ છે. ઝઘડિયા સુલતાનપુર ગ્રામ પંચાયત આરોગ્ય મંત્રીને આપેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે ઝઘડિયા ખાતે અગાઉ ૮૦ બેડની હોસ્પિટલ ચાલુ હતી અને જેમાં તમામ પ્રકારની સારવારના ઓપરેશન સહિતની સેવા તાલુકાવાસીને મળતી હતી. જે હોસ્પિટલ અગાઉ સરકારે બંધ કરી અન્ય તાલુકામાં ફાળવી દેવામાં આવી હતી. ઝઘડિયા ગામ તાલુકા મથક હોય અને અહીં કોઈ મોટી હોસ્પિટલ ન હોવાથી સારવાર માટે દર્દીઓને અંકલેશ્વરથી ભરૂચ જવું પડે છે. તાલુકાના અંદરના ગામોના લોકોને ભરૂચ, અંકલેશ્વર સારવાર અર્થે જવું પડે છે. જેથી અહીં રેફરલ હોસ્પિટલ અથવા નવા પ્રોજેક્ટ મુજબની મીની સિવિલ હોસ્પિટલ સરકારની યોજના મુજબ ઝઘડીયા તાલુકા મથકે ફાળવવામાં આવે તો હોસ્પિટલનો લાભ ઝઘડિયા તાલુકાના ગામો તથા લાગુ તાલુકા વાલિયા, નેત્રંગના ઉડાણના ગામોના લોકોને મળી રહે. તેમ જણાવ્યું હતું.