વડોદરા : શહેરના માજી મેયર અને શહેર ભાજપના નવ નિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા સયાજીગંજ પોલીસે સુનિલ સોલંકી સહિત ૧૦ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જાેકે, મોડીસાંજે સયાજીગંજ પોલીસે સુનિલ સોલંકીને છોડીને બર્થડે પાર્ટીમાં શામેલ ૬ કાર્યકર્તાઓની ધરપકડ કરતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા હતા. જ્યારબાદ આજે સુનિલ સોલંકી ખુદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.  

સયાજીગંજના મનુભાઇ ટાવરમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે બુધવારે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં મોઢે માસ્ક લગાવ્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બર્થડે ની ઉજવણી થતી હોય તેવો વિડિયો પોલીસને જાેવા મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવતા ભાજપના શહેર મહામંત્રી અને માજી મેયર સુનિલ સોલંકીના જન્મદિવસની ઉજવણી થઇ હોવાનું અને તેમાં સુનિલ સોલંકી તથા લકધીરસિંહ ઝાલા, પ્રતીક પંડ્યા અને મિનેશ પંડ્યા અને અન્ય ૬થી ૭ જણા જાેવા મળ્યા હતા, જેથી પોલીસે સુનિલ સોલંકી સહિત દસ જણા સામે આઇપીસી ૧૮૮ મુજબ જાહેરનામા ભંગનો તથા આઇપીસી ૨૬૯ અને ૨૭૦ મુજબ રોગચાળો વધુ ફેલાય તેવું કૃત્ય કરવા બદલ તથા એકેડેમી ડિસીઝ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ આ મામલે પોલીસે હિરલ છગનભાઈ ચોકસી, પ્રતીક દિનેશભાઈ પંડયા, મહેશ દેવજીભાઈ રાજપુત, મહેશ મોહનભાઈ ચૌહાણ, પ્રદિપ અર્જુનસિંહ રાવત અને રવિન્દ્ર તખતસિંહ વાઘેલાની મોડીસાંજે જ ધરપકડ કરી હતી. જ્યારે, તે સમયે મોટા માથાઓને છોડીને માત્ર કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ હોવાના વેધક સવાલો થતા આજે શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જેથી પોલીસે તેમની ધરપકડ કર્યાં બાદ ગણતરીના કલાકોમાં જામીન પણ આપ્યા હતા. 

શહેર ભાજપ પ્રમુખનું મ્હેણું પોલીસ અન્ય ઘટનાઓમાં પણ ‘નિષ્પક્ષ’ તપાસ કરે

અવારનવાર કોવિડની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ રાજ્યભરમાં ચર્ચામાં રહેલા ભાજપને શર્મસાર કરે તેવી ઘટના ગઈકાલે બની હતી. જેના સંદર્ભે શહેર ભાજપ પ્રમુખે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક તરફ કોરોનાની મહામારી દરમ્યાન પોલીસની કામગીરીને બિરદાવી હતી. જ્યારે, બીજી બાજુ અન્ય ઘટનાઓમાં પણ પોલીસ ‘નિષ્પક્ષ’ તપાસ કરે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે, જામીન પર છૂટ્યા બાદ ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ પોલીસની કાર્યવાહીનું સમર્થન કરી રાજ્યમાં કાયદો પ્રજા અને નેતા માટે સરખો હોવાનું જણાવ્યું હતું.