વડોદરા, તા. ૨૨

અમિતનગર સર્કલ પાસે છેલ્લા લાંબા સમયથી હરણી પોલીસની રહેમનજર હેઠળ એસટી તંત્રના સ્ટેન્ડની સમાંતર ગેરકાયદે ખાનગી કારોનું સ્ટેન્ડ ધમધમી રહ્યું છે જયાંથી અમદાવાદ-વડોદરા વચ્ચે છુટ્ટક ફેરી મારતા ખાનગી ઈકોકાર અને વાનના ચાલકોનો દિવસભર જમાવડો રહે છે. આ સ્થળેથી ઈકો કાર અને વાનના ચાલકોને મુસાફરો ભરવા માટે દરમહિને ફતેગંજમાં રહેતો નાજુ ભરવાડ નામનો શખ્સ હપ્તો ઉઘરાવે છે. એટલું જ નહી હરણી પોલીસનો ખાસ મનાતા નાજુ ભરવાડની એટલી હદે દાદાગીરી છે કે જે કારચાલક તેને હપ્તો ના આપે તેને મુસાફરો ભરવા દેતો નથી અને આ મુદ્દે કેટલાક ઈકો અને વાનચાલકો વચ્ચે વારંવાર અથડામણ પણ સર્જાતી રહે છે.

ન્યુ વીઆઈપીરોડ પર ક્રિષ્ણાનગરમાં રહેતો ઈકો કારનો ડ્રાઈવર પ્રદીપ ખટીકને છેલ્લા પાંચેક દિવસથી અમિતનગરથી અમદાવાદની ફેરીઓ મારતા શ્રીરામ, સન્ની, મુડી અને ઘનશ્યામ નામના ડ્રાઈવર સાથે પેસેન્જરો ભરવા તેમજ પૈસાની લેવડદેવડ માટે તકરાર ચાલતી હતી. આજે બપોરે આ તકરારની અદાવતે આજે બપોરે ઉક્ત ચારેય યુવકો ઈકો અને અર્ટીકા કારમાં અમિતનગર પાસે ધસી આવ્યા હતા અને તેઓએ જાહેરમાર્ગ પર પ્રદીપ પર તુટી પડ્યા હતા અને તેને ગડદાપાટુનો માર માર્યા બાદ હાથ, બરડા, ડાબા પગે અને પેડમાં તલવારના ઘા ઝીંકતા દોડધામ મચી હતી. આ હુમલા દરમિયાન ફતેગંજમાં રહેતો નાજુ ભરવાડે દરમિયાનગીરી કરતા તેની પર પણ હુમલો કરાયો હતો. જાેકે ટોળુ ભેગુ થતાં ચારેય હુમલાખોરો કારમાં દુમાડ તરફ ફરાર થયા હતા. બનાવની જાણ થતાં હરણી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.