મહેસાણા-

મહેસાણાના વડનગરમાં 24 નવેમ્બરે તાનારીરી મહોત્સવ યોજાશે. તાનારીરી મહોત્સવમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પણ ખાસ હાજરી આપશે. આ તાનારીરી મહોત્સવમાં ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહી સંગીતના સૂરો રેલાવશે. કોરોના મહામારીને પગલે એક દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. દર વરસે આ કાર્યક્રમ બે દિવસ માટે યોજાય છે.

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ ના દિવસે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ હોવાથી આ મહોત્સવ થશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી હતી પરંતુ આ મહોત્સવ 24મી નવેમ્બરે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં યોજવામાં આવે છે.

ગયા વર્ષે બે દિવસિય મહોત્સવ 6ઠ્ઠી નવેમ્બરે યોજવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે એક જ દિવસ માત્ર 24મી નવેમ્બરે યોજવામાં આવશે. સોશ્યલ મિડીયાના માધ્યમથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેથી સંગીતપ્રેમી દર્શકો ઘરે બેઠાં નિહાળી શકશે, જ્યારે આ મહોત્સવ માટે રાષ્ટ્રીય કક્ષાના કલાકારો વડનગરમાં ઉપસ્થિત રહી પરફોર્મ્સ કરશે.