વડોદરા, તા. ૫

શહેર -જિલ્લામાં સર્જાયેલા અકસ્માતના ત્રણ બનાવોમાં બે બાઈકસવાર યુવકોના મોત નિપજયા હતા જયારે જયારે શહેરના અટલ બ્રિજ પર પુરઝડપે જતા કિશોર-કિશોરી ચાલુ એક્ટિવાએ રોડ પર પટકાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાતા ટ્રાફિક પોલીસને બ્રિજ પર દોડી જવાની ફરજ પડી હતી. સાવલી ખાતે રહેતા ૨૨ વર્ષીય ભાવેશકુમાર ભોયના ગત ૨૬મી જાન્યુઆરીના રોજ સાકરદાં ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન બાઈક સ્લીપ થતાં તે રોડ પર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું આજે મોત નિપજયું હતું. આ ઉપરાંત ભરુચ ખાતે આવેલ વાગરાં ગામમાં રહેતા વીસ વર્ષિય કરણસિંહ છત્રસિંહ પરમાર ગત મોડી રાત્રે આમોદ ગામ તરફ બાઈક પર જતો હતો તે સમયે પાછળથી પૂરઝડપે આવેલી કેમ્પ બોલેરો પિકઅપવાનના ચાલકે તેની બાઈકને ટક્કર મારી અકસ્માત સજાર્ેય હતો. અકસ્માતમાં માથામાં ગંભીર ઈજાઓ થતાં કરણસિંહને બેભાનવસ્થામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાંથી વધુ સારવારઅર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં ટુંકી સારવાર બાદ તેનું પણ મોત નિપજ્યું હતું. જયારે વારસિયા વિસ્તારમાં રહેતો એક ટીનએજર્સ તેની સાથે અભ્યાસ કરતી સહવિદ્યાર્થિનીને એક્ટિવા પર બેસાડીને પુરઝડપે અટલબ્રિજ પરથી પસાર થતો હતો તે સમયે એક્ટિવાચાલકે સંતુલન ગુમાવતા બંને ટીનએજર્સ ચાલુ વાહને રોડ પર પટકાયા હતા. બંનેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ રોડ પર બેભાન થયા હતા. દરમિયાન આ અકસ્માતના પગલે બ્રિજ પર ટોળેટોળાં ભેગા થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવની ટ્રાફિક પોલીસને જાણ કરાતા પોલીસે બ્રિજ પર દોડી જઈ બંને ઈજાગ્રસ્ત ટીનએજર્સને ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી ટ્રાફિક પુર્વવત કર્યો હતો. આ બનાવની ગોરવા પોલીસને જાણ કરાતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે આ બંને ટીનએજર્સ પૈકી વાહનચાલક સ્ટંટ કરતો હોઈ તેઓ રોડ પર પટકાયા હતા. બંને ટીનએજર્સની હાલત અત્યંત ગંભીર હોઈ તેઓને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા હતા.