રાજકોટ-

આજે રાજકોટ ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેર ફરી વળી હતી. ઉનાળો કેવો આકરો હશે એની ઝલક આપતી બળબળતી લૂ વરસતાં લોકો ત્રાહીમામ પોકારી ગયા હતાં. ઘણાંખરા શહેરોમાં તાપમાન અસામાન્ય રીતે ઊંચકાયેલું ન્હોતું છતાં બપોરે તેમજ પવન સાથે લૂં ફૂંકાઈ હતી અને રાજકોટ તો રાજયભરમાં સૌથી ગરમ શહેર બની રહ્યું હતું.

રાજકોટમાં સવારે થોડી રાહત બાદ ૧૧ વાગ્યાથી ગરમી એકદમ જ વધવા માંડી હતી અને બપોરે તો ડામરના માર્ગો પરથી વરાળ ઉઠતી હોય એળી અનુભૂતિ થઈ હતી. ૪૨ ડિગ્રી તાપમાન સાથે ગુજરાતભરમાં હોટેસ્ટ બની રહેલા રાજકોટમાં બપોરે ચહલપહલ ઘટી ગઈ હતી.

જૂનાગઢમાં ૩૯.૫ ડિગ્રી સેલ્સિયસ જેવા સામાન્ય તાપમાન છતાં બેલાના પત્થરોની બનેલી ઈમારતો તપતી ભઠ્ઠી જેવી ભાસતી હતી. સવારે ૮૪ ટકા ભેજયુક્ત વાતાવરણ રહ્યું હતું, એ જ રીતે જામનગરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ ૯૩ ટકા થઈ જતાં ગાઢ ધુમ્મસ છવાયું હતું.

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસતી મોસમે ફરીથી મિજાજ બદલ્યો છે. અને બપોર દરમિયાન કાળઝાળ ગરમી અને વહેલી સવારે ભેજયુક્ત વાતાવરણમાં લઈને ફરીથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એટલું જ માત્ર નહીં પવનની તીવ્રતામાં પણ વધારો નોંધાયો હોવાથી બપોર દરમ્યાન ગરમ લૂ ફેંકાઈ હતી. અને પ્રતિ કલાકનાં ૪૦ કિ.મી.ની ઝડપે ફૂકાયેલા તોફાની પવનના કારણે શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. આજે વહેલી સવારે ભારે ઝાકળવર્ષાના કારણે સૂર્યનારાયણના દર્શન મોડા થયા હતાં. તેમ જ માર્ગો પર પાણીના રેલા ઉતારી રહ્યાં હતાં. ધુમ્મસ છવાયું હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. હવામાન વિભાગે આગામી શુક્રવાર અને શનિવારે રાજકોટ, પોરબંદર તથા ગીર સોમનાથ જિલ્લામાં હીટ વેવ કન્ડીશન રહેવાની આગાહી સાથે લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી છે. આજે દરિયાકાંઠાના નગરો પૈકી દ્વારકામાં ૩૦.૮ ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં ૩૧, પોરબંદર ૩૩.૪ વેરાવળ ૩૧.૫, દિવમાં ૩૨.૭, જયારે કંડલામાં તો ૪૧.૮ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું.