લોકસત્તા ડેસ્ક 

ભારતના નંબર-2 ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરન ઈસ્મેનિક ચેલેન્જર ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. સાતમી સીડ પ્રજનેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન લુકાસ લેકોને 6-4, 5-7, 6-4થી હરાવ્યો. આ પ્રજનેશનો આ વર્ષનો 9મો વિજય છે, જ્યારે લેકોનો 12મો પરાજય છે. વર્લ્ડ નંબર 152 પ્રજનેશ અને વર્લ્ડ નંબર 188 લેકો વચ્ચે કારકિર્દીની આ બીજી મેચ હતી. પ્રજનેશે પૂર્વ વર્લ્ડ નંબર-44 લેકોને પ્રથમ વખત હરાવ્યો છે. આ અગાઉ 2018માં એટલાન્ટા ઓપનમાં તે હારી ગયો હતો.

હવે પ્રજનેશની ટક્કર જર્મીના માર્ક રોસેનક્રેન્જ અને ડેનિયલ મેસુ વચ્ચેના મેચ વિજાતા સાથે થશે. એક અન્ય ભારતીય રામકુમાર રામનાથનને પ્રી ક્વાર્ટરમાં પરાજયનો સામનો કરવો પડ્યો. રામનાથનને નેધરલેન્ડ્સના બોટિચ વાન ડે. જેન્ડશલ્પે 6-2, 6-2થી હરાવ્યો. આ દરમિયાન જર્મીનો વાઈલ્ડકાર્ડ હોલ્ડર મેક્સિમિલિયન માર્ટરર અને ફ્રાન્સનો એન્ટોની હોઆંગ પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે.

જર્મનીનો એલેક્ઝેન્ડર ઝ્વેરેવ કોલોન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. ટોપ સીડ ઝ્વેરેવ સળંગ બીજા સપ્તાહ કોલોનમાં ક્વાર્ટર ફાઈનલ રમશે. ગયા સપ્તાહે તે કોલોન ઓપન ચેમ્પિયન બન્યો હતો. 23 વર્ષના ઝ્વેરેવે ઓસ્ટ્રેલિયાના જોન મિલમેનને 6-0, 3-6, 6-3થી હરાવ્યો. હવે ઝ્વેરેવની ટક્કર ફ્રાન્સના એડ્રિયન મનારિનો સાથે. કેનેડાનો પાંચમો ક્રમાંકિત સીડ ફેલિક્સ ઓગર એલિયાસિમે પણ બેગારુસના એગોર ગેરાસમિમવોને 4-6, 7-6, 7-6થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.