મુંબઇ 

બોલિવૂડના અભિનેતા અને 1990ના દાયકાની સુપરહિટ ફિલ્મ આશિકીથી લોકપ્રિયતા હાંસલ કરનારા અભિનેતા રાહુલ રોયને ફરીથી હોસ્પિટલમાં ભરતી કરવો પડ્યો છે. મુંબઈના મીરા રોડ પરની એક ખાનગી હોસ્પિટલમાં તેની સ્પિચ થેરાપીની ટ્રિટમેન્ટ ચાલી રહી છે.

રાહુલ રોયના સાળા રોમેર સેને કહ્યું હતું કે અગાઉ તેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાંથી તેને આઠમી ડિસેમ્બરે રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ તેને મીરા રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેને સ્પિચ થેરાપી આપવામાં આવી રહી છે.

રોમેર સેને ઉમેર્યું હતું કે રાહુલ રોયને સંપૂર્ણ સાજા થવામાં હજી થોડા સપ્તાહ લાગી જવાના છે. દરમિયાન રાહુલ રોયે તેનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે હોસ્પિટલના બીછાના પર બ્રેકફાસ્ટ લઈ રહ્યો છે. થોડા સમય અગાઉ રોમેર સેને એક અખબારને આપેલી મુલાકાતમાં એવો આક્ષેપ કર્યો હતો કે ગંભીર બેદરકારીને કારણે રાહુલની તબિયત લથડી હતી.

તેણે ફિલ્મ મેકર્સ સામે કેટલાક આરોપ લગાવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મના શૂટિંગ બાદ ઠંડી એન્જોય કરવા માટે રાહુલ કારગિલમાં રોકાઈ ગયો હતો. જેના જવાબમાં રોમેરે સેને કહ્યું હતું કે આટલા માટે રોકાયો ન હતો પરંતુ આ અગે ભવિષ્યમાં ખુલાસો કરવામાં આવશે. રાહુલના ભાઈ અને બહેન ટૂંક સમયમાં પુરાવા સાથે ખુલાસા કરશે.

ઉલ્લેખનીય છે કે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં રાહુલ રોય કારગિલમાં એક ફિલ્મ એલએસી, લિવ ધ બેટલનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને તેને તાત્કાલિક મુંબઈ પહોંચાડવામાં આવ્યો હતો.