ગોધરા,તા.૨૮ 

ગોધરા શહેરના લઘુમત્તિ વિસ્તારના મહંમદી સોસાયટીના એક મકાનમાંથી ભારતીય ચલણમાંથી બે વર્ષો પૂર્વે રદ્દ કરવામાં આવેલ ચલણી નોટોનો જંગી જથ્થો પોલીસ તંત્રએ ઝડપી પાડતા શહેરમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. પ્લાસ્ટીક બોક્ષમાં અને ચાર ઉપરાંત થેલાઓમાં ઠસોઠસ ભરેલ આ રદ્દ થયેલ ચલણી નોટોના જથ્થાની ગણતરીઓ માટે શહેર બી.ડીવીઝન પોલીસ મથકમાં બેંકો માંથી નોટો ગણવા માટે મશીનો ગોઠવવામાં આવ્યા છે.

 આ જાેતા અંદાજે ૫ કરોડ રૂપિયા ઉપરાંતની ભારતીય ચલણમાંથી રદ્દ થયેલ આ નોટોનો જંગી જથ્થો હોવાના અનુમાનની ચર્ચાઓ વચ્ચે પોલીસ તંત્ર અત્યારે સત્તાવાર કહી શકે એમ નથી અને સૌ-કોઇ રદ્દ થયેલ આ ચલણી નોટોના જથ્થાની ગણતરીઓના ગળાકૂબ કાર્યવાહીઓ વચ્ચે આ નોટોના જથ્થા સાથે ઝડપાયેલા બે ચહેરાઓની પ્રાથમિક પૂછપરછોમાં વ્યસ્ત હોવાના તપાસોનો ધમધમાટ દેખાઇ રહ્યો છે! ગોધરા શહેરના લઘુમત્તિ વિસ્તારમાં મોહંમદી સોસાયટીના ઇદ્રીશ નામના એક વ્યકિતના બંધ મકાનમાં બે વર્ષો પહેલા ભારતીય ચલણમાંથી રીઝર્વ બેંક દ્વારા રદ્દ કરવામાં આવેલ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની કરોડો રૂપિયાની નોટોના બદલાવવાના શરૂ કરેલ આ ખેલની ખબરો પંચમહાલ પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ સમક્ષ પહોંચતા વેત એસ.ઓ.જી. શાખાના પી.આઇ.કે.પી.જાડેજા અને બી.ડીવીઝન પી.આઇ.એમ.પી.પંડયાએ મોડી સાંજે પાડેલા દરોડામાં રદ્દ કરવામાં આવેલ કરોડો રૂપિયાની જંગી નોટોનો જથ્થો ઝડપાઇ જવા પામ્યો છે.

પોલીસ તંત્રના આ દરોડામાં ઇદ્રીશનો પૂત્ર અને ફારૂક છોટા નામના બે ભેજાબાજાેને પોલીસ તંત્રએ ઘટના સ્થળેથી દબોચી લઇને પૂછપરછો શરૂ કરી છે. સાથો સાથ રદ્દ થઇ ગયેલ ચલણી નોટોના જથ્થાની ગણતરીઓ માટે બેંકોમાંથી મશીનો અને કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે.