અયોધ્યા-

ભક્તોને હવે રામ મંદિર સુધી પહોંચ્યા પહેલા જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની પૂરી નગરીનો આભાસ જોવા મળશે. વાત જાણે એમ છે કે અયોઘ્યામાં મંદિરની સાથે ત્યાંના રેલવે સ્ટેશનને પણ નવા રંગરૂપ આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેના માટે રેલવે દ્વારા આ સ્ટેશનને ભવ્ય રૂપ આપવા માટે સો કરોડ કરતા વધારે રૂપિયાનો ખર્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે. જેનો દેખાવ પણ રામ જન્મ ભૂમિ જેવો જ રાખવામાં આવશે. ભક્તોને ધ્યાનમાં રાખીને બનાવાશે રેલવે સ્ટેશન 

સ્ટેશનના નિર્માણ માટે રેલ ઈન્ડિયા ટેક્નિકલ એન્ડ ઈકોનોમિકલ સર્વે (રાઈટ્સ)ને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેશનના નિર્માણ પાછળ અયોઘ્યાની સ્વર્ણિમ સાંસ્કૃતિક અસ્મિતા અને ભારતના ઉજ્વળ ભવિષ્યને ઘ્યાનમાં રાખવામાં આવ્યા છે. જેમા પૌરાણિક સ્થાપત્ય કળા અને આધુનિક સુવિધાઓનો સમન્વય જોવા મળશે. આ સ્ટેશન ત્યાં આવનારા ભક્તોને રામ મંદિરની વિશાળ પ્રતિકૃતિની એક ઝલક પ્રદાન કરશે. 

રામ મંદિરના કારણે અયોધ્યા સ્ટેશનનું પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને પુન:નિર્માણ કરાશે. તેના પરીસરમાં પ્રવાસ કેન્દ્ર, પ્રવાસીઓ માટે ટેક્ષી બૂથ તેમજ રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેમાં 3 એરકન્ડિશન આરામ ગૃહો, સાધનસામગ્રીથી સજ્જ 17 પથારીવાળો પુરૂષો માટેનો શયનખંડ અને 10 પથારીવાળો સ્ત્રીઓનો શયનખંડ હશે. આ ઉપરાંત શિશૂ વિહાર બૂથ, વિશિષ્ટ અતિથિ ગૃહ, લોન્જ, ફૂડ પ્લાઝા તેમજ અન્ય દુકાનો સહિતની સુવિધાઓ હશે.