દુબઇ 

બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલની બેઠક 17 ઓક્ટોબરે મળવાની છે. ઓનલાઈન બેઠકમાં જાન્યુઆરી-માર્ચમાં થનારા ઈંગ્લેન્ડ પ્રવાસ અંગે ચર્ચા થવાની છે. દેશમાં કોરોનાના 70 લાખ કેસ છે અને એક લાખથી વધુનાં મોત થઈ ચૂક્યા છે. આથી સીરિઝમાં મેચ યુએઈમાં કરાવાય તેવી સંભાવના છે. આઈપીએલની મેચો પણ ત્યાં જ રમાઈ રહી છે. આથી બોર્ડને તૈયારી કરવામાં પણ વધુ મુશ્કેલી નહીં થાય.

બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, સમગ્ર પ્રયાસ રહેશે કે ઈંગ્લેન્ડની સીરિઝ દેશમાં જ રમાડાય. મુંબઈ ઈંગ્લેન્ડની સીરિઝ માટે સૌથી સારું વેન્યુ હોઈ શકે છે. અહીં ત્રણ ઈન્ટરનેશનલ મેદાન વાનખેડે, ડીવાય પાટિલ અને ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા છે. આથી અહીં બાયો-બબલ બનાવવામાં સરળતા રહેશે. સીરિઝમાં 5 ટેસ્ટ, 3 વનડે અને 3ટી20 મેચ રમાશે. આ ઉપરાંત ઘરેલુ ટૂર્નામેન્ટ અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. અગાઉ 19 નવેમ્બરે સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટ શરૂ થવાની સંભાવના હતી, પરંતુ કોરોનાના વધતા કેસ જોતાં આ મુશ્કેલ છે. આથી કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલાં વાસ્તવિકતા ચકાસવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ માર્ચ પછી એક પણ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. વર્તમાનમાં ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.