વડોદરા -

કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કોરોનામાંથી સાજા થયેલી વ્યક્તિઓમાં પ્લાઝમા ડોનેટ કરવાની જાગૃતતા આવે તેવા ઉદ્દેશથી આજે ઈન્દુ બ્લડ બેન્ક અને વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે ઓએસડી ડો. વિનોદ રાવની ઉપસ્થિતિમાં પ્લાઝમા થેરાપીથી થતા ફાયદા, પ્લાઝમા કોણ ડોનેટ કરી શકે, કેવી રીતે કરી શકાય વગેરે માહિતી પ્રદાન કરવા માટેનો એક કાર્યક્રમ સયાજી હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સયાજી હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયર ઈન્દુ બ્લડ બેન્કના સંચાલક ડો. વિજય શાહ, વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિયેશનના ડો. મોહમ્મદ હુસેન, યુનિ. સિન્ડિકેટ સભ્ય જિગર ઈનામદાર સહિત અન્ય તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાહતા. ડો. વિનોદ રાવે કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવા માટે કોરોનામુક્ત થયેલી વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કરવા માટે અપીલ કરી હતી અને પ્લાઝમા ડોનેટની જાગૃતતા માટે જરૂર પડે તો સેવા સદનના તબીબી ટીમો આપવાની તૈયારી દર્શાવી હતી.

જ્યારે થોડાં સમય કોરોનાગ્રસ્ત બનેલા અને કોરોના સામે જંગ જીતી કોરોનામુક્ત થયેલા પ્લાઝમા ડોનેટ કરનાર યુનિ.ના સિન્ડીકેટ સભ્ય જિગર ઈનામદારે પોતાના કોરોનાની સારવાર દરમિયાન અને પ્લાઝમા ડોનેટ કર્યાના અનુભવો જણાવ્યા હતા અને તેમને પોતે કોરોનામુક્ત થયેલી વ્યક્તિઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હોવાનું ઉમેર્યું હતું.