ગાંધીનગર, ગુજરાતમાં કોરોના મહામારીના વધતાં કેસોને લઈને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરીથી રાજ્ય સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. એટલું જ નહી, રાજ્યમાં કોરોનાના ટેસ્ટ, કોરોના મહામારીની માર્ગદર્શિકા, રેમડેસિવિર ઈન્જેકેશન મામલે રાજ્ય સરકારને અનેક સૂચનો કર્યા છે. આ સંજાેગોમાં ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લાઓના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને દરેક જિલ્લામાં આરટી પીસીઆર ટેસ્ટ અંગે લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે કોવિડ કેર સેન્ટર તથા હોસ્પિટલોમાં ખૂટતા બેડને લઈને રાજ્ય સરકારને સૂચનો કરવામાં આવ્યા છે, આ ઉપરાંત રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરી ઉપલબ્ધ છે કે નહીં? આમ હાઈકોર્ટ દ્વારા વેધક સવાલો પૂછાતા હતા. જેને લઈને હવે રાજ્યની રૂપાણી સરકાર અને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એક્શન મોડમાં આવી ગયા છે. હાઈકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે રાજ્યના વિવિધ જિલ્લાઓના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજયન વિવિધ જિલ્લાઓના રિજિયોનલ કમિશનર, નગરપાલિકાઓના ચીફ ઓફિસર, જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં આરટી પીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરી સહિતની વ્યવસ્થા ઉભી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ આગામી યોજનાઓ માટે અધિકારીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું.