વડોદરા ઃ શહેરમાં લૉનો અભ્યાસ કરતી હરિયાણાની યુવતી ઉપક દુષ્કર્મ આચરવાના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી અશોક જૈનના આજે રિમાન્ડ પૂરા થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને અદાલતમાં રજૂ કરતાં અત્રેની અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.રેસકોર્સ વિસ્તારમાં સી.એ.ની ઓફિસમાં કામ કરતી અને લૉ નો અભ્યાસ કરવા આવેલ પરપ્રાંતીય યુવતી ઉપર તેના બૉસ અને ક્લાયન્ટે દુષ્કર્મ આચારી ન્યૂડ ફોટા પાડી લીધા હોવાના બનાવ અંગે યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે પછી પોલીસે આરોપી રાજુ ભટ્ટને જૂનાગઢથી ઝડપી પાડયો હતો. ત્યાર બાદ પોલીસે ઓકટોબર માસની ૭મી તારીખે ફરાર આરોપી અશોક જૈનને પાલિતાણાથી ઝડપી પાડયો હતો. આ ગુનાની ગંભીરતા જાેતાં પોલીસે ઘનિષ્ઠ તપાસ માટે આરોપી અશોક જૈનના આજદિન સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જાે કે, રિમાન્ડ દરમિયાન પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કન્ટ્રકશન કરવાની સાથે તેના તમામ આશ્રયસ્થાનો ઉપર ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં આરોપી અશોક જૈનના આજે રિમાન્ડ પૂરા થતાં ક્રાઈમ બ્રાન્ચે તેને અદાલતમાં રજૂ કરતાં અત્રેની અદાલતે આરોપી અશોક જૈનને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.