નવી દિલ્હી-

દુનિયાના સૌથી મોટા ગણાતા અને ધરતી માટે ફેફસાનુ કામ કરનાર એમેઝોનના જંગલો આગામી ૪૩ વર્ષમાં સાફ થઈ જશે. એમેઝોન દુનિયાનુ સૌથી મોટુ રેન ફોરેસ્ટ છે અને દુનિયાનો ૨૦ ટકા ઓક્સિજન આ જંગલ સપ્લાય કરે છે તેમ મનાય છે માટે તેને ધરતીના ફેફસાનુ નામ પણ અપાયુ છે.

૨.૧ મિલિયન સ્કેવર માઈલમાં આ જંગલ દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ સુધી ફેલાયેલુ છે.આ જંગલ માટે કહેવાય છે કે, જાે તે કોઈ દેશ હોત તો તે દુનિયાનૌ સૌથી મોટા દેશના લિસ્ટમાં નવમા ક્રમે હોત. જાેકે જંગલ માટે વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, એક સમય એવો આવશે જ્યારે આ જંગલ નહીં હોય અને માત્ર મેદાન જ દેખાશે.અહીંની હરિયાળી ખતમ થઈ જશે.

યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના સંશોધક રોબર્ટ વોકરે ભવિષ્યવાણી કરી છે કે, ૨૦૬૪ સુધીમાં એમેઝોનના જંગલો ખતમ થઈ જશે. જંગલમાં વારંવાર લાગતી આગ, દુકાળ, બેફામ રીતે કપાતા વૃક્ષો આ માટે જવાબદાર હશે.

એમેઝોનની સ્થિતિ બહુ ખરાબ થઈ ચુકી છે.૨૦૨૦માં બ્રાઝિલના એમેઝોન જંગલોમાંથી એક દાયકામાં સૌથી વધારે વૃક્ષો કાપવામાં આવ્યા હતા.૨૦૨૦માં બ્રાઝિલમાં તેના કારણે ૧૨૦૦ સ્કેવર કિલોમીટર જેટલુ જંગલ ખતમ થઈ ગયુ હતુ.

એક અંદાજ પ્રમાણે એમેઝોનના ૧૧ ટકા હિસ્સામાં વૃક્ષો કપાયા છે અને બીજાે ૧૭ ટકા વિસ્તાર આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.એક રિસર્ચમાં સામે આવ્યુ છે કે, આ જ રીતે વૃક્ષો કપાતા રહ્યા તો જંગલની ઈકોલોજી પણ બદલાઈ શકે છે.

બીજી તરફ કલાઈમેટ ચેન્જ પણ મોટો ભાગ ભજવી રહ્યુ છે.પશ્ચિમ એમેઝોનના કેટલાક હિસ્સામાં ૧૯૮૨ બાદ દર વર્ષે સાત ઈંચ જેટલો વધારે વરસાદ પડી રહ્યો છે.બીજી તરફ જ્યાં વૃક્ષો વધારે કપાઈ રહ્યા છે ત્યાં વરસાદ ઓછો થઈ રહ્યો છે.જેના કારણે આ વિસ્તાર સૂકા રહે છે.એક જંગલને દુકાળમાંથી બેઠા થવા માટે ચાર વર્ષ લાગી જતા હોય છે.