વલસાડ, ચીખલી ખેરગામ ધરમપુર રાજ્ય ધોરી માર્ગ ભારે વાહનોની અવરજવરથી ચોવીસે કલાક ધમધમે છે ત્યાં સોમવારે મળસ્કે સવા પાંચની આસપાસ કોલસી ભરેલી ૧૬ પૈડાંની ટ્રક વળાંક બાદ જમણી બાજુ પલટી ખાઈ જતા ચાલકનું કોઈપણ જાતની બાહ્ય ઈજા વગર ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે ક્લિનરને સદ્‌નસીબે કશું થયું હતું નહીં. 

પલસાણા સુરતથી ટ્રક નં.જીજે ૨૧ ડબલ્યુ ૯૨૯૧ છાંડેલી ઝીણી કોલસી લગભગ ૩૧ ટન ભરીને નાસિક થઈ સિન્નર પહોંચાડવા જતી હતી અને અકસ્માત પહેલાના ચારેક વળાંક સારી રીતે પસાર કર્યા હતા. એપીએમસી પછી નારણપુરના ત્રિભેટાનો વળાંક છોડીને જમણી બાજુ કેવી રીતે પલટી મારી ગઈ તે કોયડો છે. કેમકે ટ્રકને ઝાઝુ નુકસાન થયું નથી આગળના કાચ તૂટી ગયા છે. ચાલકને કશે પણ ઘસરકો નથીને મોતને ભેટ્યો, ક્લિનરને પણ કશું વાગ્યું નથી- સ્વસ્થ છે. ચાલક ઉત્તર પ્રદેશનો રહેવાસી હોય સાંજે પોસ્ટમોર્ટમ થયા બાદ એના વતન પહોંચાડવા રવાના કરાયો હતો. મળસ્કે ધડાકા સહિત દુર્ઘટના સર્જાતા આજુબાજુના રહીશો જાગી ગયા હતા અને ખેરગામના સરપંચ કાર્તિક પટેલ પણ સ્થળ પર ધસી આવ્યા હતા ૧૦૮ પણ આવી હતી પણ ચાલકનું મોત થયું હોય રવાના થઈ. વૈકલ્પિક વ્યવસ્થા કરીને સરપંચે મૃતકને પીએમ માટે રેફરલ પહોંચાડ્યો હતો. આડી પડેલી ટ્રકમાંથી ડીઝલ અને ઓઈલના રેલા પ્રસરતા અડધા રસ્તાને સલામત કરાયો હતો. ૬૬ કેવી બંધ હોવાથી કોમ્પ્યુટર બંધ હોય પોલીસ તરફથી અહેવાલ મળ્યો નથી. સતત વ્યસ્ત આ માર્ગ ડિવાયડરવાળો કરવા તથા બાયપાસ માર્ગ કાઢવા ચર્ચા થતી હતી.