ગાંધીનગર, ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ત્યારે આ દરમિયાનમાં આગામી વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ની રણનીતિ ઘડવા માટેની ચર્ચા કરવા માટે આવતીકાલ સોમવારે પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક કમલમ ખાતે મળી રહી છે. પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારીની બેઠક મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત આર.પાટીલ સહિત પ્રદેશ કારોબારી સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠક આગામી સમયમાં વિધાનસભા- ૨૦૨૨ ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મળશે.ગુજરાતમાં આમ આદમી પાર્ટી - ‘આપ’એ ત્રીજા મોરચા તરીકે વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો ઉપરથી ચૂંટણી લડવા માટે કમર કસી લીધી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ દિલ્હીથી ગાંધીનગર સુધી મોવડી મંડળ સાથે સતત સંપર્કમાં રહીને પક્ષની રણનીતિ ઘડી છે. આ સંજાેગોમાં કેન્દ્ર સરકારની વિવિધ સરકારી યોજનાનો લાભ પ્રજા સુધી વાસ્તવમાં પહોંચાડવા માટે શું આયોજન થઇ શકે છે? તે મુદ્દો બેઠકમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે. સરકાર અને સંગઠન વચ્ચેના સેતુને જાળવવા અને સંગઠનના માળખામાં વૃદ્ધિ કરવા અંગે તેમજ બોર્ડ અને નિગમમાં ખાલી પડેલા સ્થાનો ઉપર નિમણૂક આપવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે.