ગોપાલ પંચાલ ા વડોદરા

વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં વારંવાર પાણીના અભાવની જટિલ સમસ્યાઓ સર્જાયતી રહે છે. ત્યારે હોસ્પિટલના મહિલા દર્દીઓથી ધમધમતા પ્રસૃતિ ચૈનાની વોર્ડનું પાણી પીવાલાયક ન હોવાથી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે મિનરલ વોટરના જગોની વ્યવસ્થા કરવી પડી છે. એટલું જ નહીં સવાર અને સાંજ બે ટાઈમ મળીને કુલ ૧૫૦ જેટલા પાણીના જગો ચૈનાની વોર્ડ માટે મગાવવા પડી રહ્યાં છે.

વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં છાશવારે પ્રાથમિક સુવિધાના અભાવની ફરિયાદો ઊઠતી રહે છે. હવે આ સમસ્યા પીવાના પાણી સુધી પહોંચી ગઈ છે. હોસ્પિટલના સત્તાધીશોએ ચાર દિવસ અગાઉ ચૈનાની વોર્ડમાં આવી રહેલા પાણીના સેમ્પલની ચકાસણી કરી હતી, જેમાં વોર્ડનાં તમામ ફ્લોર ઉપર આવી રહેલું પાણી પીવાલાયક ન હોવાનું ફલિત થયું હતું. ત્યાં સુધી તો દાખલ દર્દીઓ તથા તેમનાં સગાઓ આ પાણીનો તમામ પ્રકારે ઉપયોગ કરી રહ્યા હતા.

પ્રસૂતિ વોર્ડનું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જણાય આવતા દર્દીઓ તેમજ દર્દીના સગાઓ તથા ફરજ પરના સ્ટાફ કર્મચારીઓમાં દૂષિત પાણી સંદર્ભે ચર્ચાનો વિષય બન્યો હતો. હોસ્પિટલના સત્તાધીશોએ દર્દીઓ તેમજ તેમના સગાઓને શુદ્ધ અને સ્વચ્છ પાણી મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે સવારે ૭૫ અને સાંજે ૭૫ એમ કુલ ૧૫૦ જેટલા મિનરલ વોટરના જગો રોજે રોજ મગાવવા પડી રહ્યાં છે. આ જગને વોર્ડના તમામ ફ્લોર ઉપર ગોઠવી દેવામાં આવ્યા છે, જેથી દાખલ દર્દીઓ તથા તેમના સંબંધીઓ ઉપરાંત ફરજ પરના ઓફિસ સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ તેનો ઉપયોગ હાલ કરી રહ્યા છે.

પ્રસૂતિ વોર્ડનું પાણી પીવાલાયક નથી તો બાકીના તમામ વોર્ડના પાણીનું શું?

વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં વિવિધ પ્રકારના મેડિસિન સર્જિકલ તેમજ ઓપરેશન થિયેટરો સહિત અન્ય વોર્ડ આવેલા છે. આ તમામ વોર્ડમાં હોસ્પિટલની ટાંકીઓમાંથી જ પીવા તેમજ વપરાશ માટેનું પાણી આવતું હોય છે. ત્યારે આ ટાંકીઓની નિયમિત સફાઈ થાય છે ખરી‌? આ એક ચર્ચાનો વિષય બન્યો હતો. હાલના તબક્કે જે પાણી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે તે પાણીના સેમ્પલનું ચેકિંગ સંબંધિત સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યું છે ખરું? આવા અનેક સવલો હોસ્પિટલના સ્ટાફ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યા છે. જે રીતે ચૈણાણી પ્રસૂતિ વોર્ડમાં પાણીનું ચેકિંગ થયું તે રીતે તમામ વોર્ડમાં આવતાં પાણીનું ચેકિંગ થવું જાેઈએ તેવો સૂર સ્ટાફ કર્મચારીઓએ પૂરાવ્યો હતો.