વડોદરા,તા.૧૨

શહેરના રેસકોર્ષ વિસ્તારમાં આવેલા પશાભાઈ પાર્કના વાસુકી એપાર્ટમેન્ટમાં રહેતી અને એમ એસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના પાંચમા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી નેન્સી તુષાર બાવીસી નામની યુવતી છેલ્લા પાંચ દિવસથી પ્રોડક્ટિવિટી રોડની એક ખાનગી હોસ્પિટલમાં બેહોશ પડી છે. ડોક્ટરો કહે છે કે, એ કોમામાં છે અને એને ક્યારે હોશ આવશે તે કહી શકાય એમ નથી. ૭મી માર્ચના રોજ નેન્સીનો અકસ્માત થયો હતો.

ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલા એક ખાનગી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં એ નોકરી કરતી હતી. ૭મી માર્ચના રોજ નોકરી પરથી છૂટીને તે મોપેડ ઉપર ઘરે જવા નીકળી હતી. તે દરમિયાન સામેથી પૂરઝડપે ધસી આવેલી સ્પોર્ટસ બાઈકે એને અડફેટે લીધી હતી. સ્પોર્ટસ બાઈક એટલી સ્પીડમાં હતી કે, નેન્સી એની મોપેડ પરથી સાત-આઠ ફૂટ ઉંચે ઉછળીને દૂર સુધી ઢસેડાઈ હતી. દુર્ઘટનામાં નેન્સીની સાથેસાથે બાઈક સવાર યુવક પણ રસ્તા પર પછડાયો હતો. આ દુર્ઘટના બાદ નેન્સી રસ્તા પર બેહોશ પડી હતી. કો’ક રાહદારીએ એને સારવાર માટે દવાખાને ખસેડી હતી. દુર્ઘટનામાં નેન્સીને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે, તેને પ્રોડક્ટિવિટી રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. દુઃખની વાત તો એ છે કે, જે દિવસે અકસ્માત સર્જાયો તે દિવસથી આજદીન સુધી નેન્સીને હોંશ આવ્યો નથી. હોસ્પિટલના બિછાને નેન્સી આંખો બંધ કરીને પડી છે. ડોક્ટર કહે છે કે, એ કોમામાં સરી પડી છે. એને ક્યારે હોંશ આવશે તેની ખબર નથી. નેન્સીનો ચહેરો જાેઈને એના માતા-પિતા સતત રડી રહ્યા છે. એની તબિયત જાેવા આવતી તેની બહેનપણીઓ પણ એકીટશે એને જાેઈ રહી છે. નેન્સી બેશુધ્ધ અવસ્થામાં પડી છે. અને એના મિત્રો, એના સ્વજનો, એના સમાજના લોકો એના હોંશમાં આવવાનો ઈંતેજાર કરી રહ્યા છે. પણ અફસોસ છેલ્લા પાંચ દિવસથી એના શરીરમાં કોઈ હરકત નથી. બીજી તરફ નેન્સીને આવી હાલત કરનારો ખાનદાન નબીરો પોતાની બોલિવૂડના ધમાકેદાર ગીતો પર રિલ્સ બનાવીને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, લક્ષ્મીપુરા પોલીસ હજી સુધી એને પકડી શકી નથી. પણ નેન્સીના મિત્રોએ એને શોધી કાઢ્યો છે.

આ લબરમુછીયો પોતે મોટો હિરો હોય તેવી રીતે સોશ્યલ મીડિયા પર સ્પોર્ટસ બાઈકની દુર્ઘટના પછીના ધડાધડ વીડિયો બનાવીને એને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યો છે. નેન્સીના સ્વજનો આવા વીડિયો જાેઈને પોલીસ સામે ફિટકાર વરસાવી રહ્યા છે. નેન્સીના નીકટના સંબંધીઓ કહે છે કે, જે વખતે નેન્સીનો અકસ્માત સર્જાયો તે વખતે રસ્તા પર ખુબ ઓછા લોકો હતા. પણ સામે એક ચાની લારીવાળાએ આખોય અકસ્માત નજરે નીહાળ્યો હતો. ચા વાળો કહે છે કે, દુર્ઘટના સર્જાયા પછી સ્પોર્ટસ બાઈકનો ચાલક ફરાર થવાની ફિરાકમાં હતો. એણે સિફતતાથી બાઈક હટાવી પણ લીધી હતી. પણ રાહદારીઓએ એને પકડી લીધો હતો. જાેકે, પોલીસે એની માત્ર બાઈક જપ્ત લીધી હતી. પણ એની સામે કોઈ કડક કાર્યવાહી કરી હોય એવું લાગતું નથી.