વડોદરા,તા.૧૩

કોરોનાની મહામારીમાં આર્થિક રીતે ભીંસમાં મૂકાયેલા પરિવારની વ્હારે વડોદરા વાલી મંડળ આવ્યું છે.અને વાલી મંડળ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મદદ કરવા હેતુસર પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૩૮૯ વાલીઓએ ભાગ લીધો હતો.

કોરોનાની મહામારીમાં વાલીઓ બાળકોની ફી ભરી શકે તેવી સ્થિતિમાં નથી.જેના કારણે શાળાની ફી પણ ભરી શક્યા નથી.અને હજી આર્થિક તંગી અનુભવતા હોવાથી બાળકોનો પાઠ્યપુસ્તકો પણ ખરીદ્યા નથી.આ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકોને પાઠ્યપુસ્તકોની મદદ કરી શકાય માટે વડોદરા વાલી મંડળ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સામાન્ય રીતે વાલીઓ બાળકોનો અભ્યાસક્રમ પુરો થયા પછી પુસ્તકો પસ્તીમાં વેચી દેતા હોય છે.પણ આ પુસ્તકોથી અન્ય બાળકોનુ ભણતર થઇ શકે તેમ હોઇ વાલીઓને જૂના પુસ્તકો આપી નવા પુસ્તકો આપવાની જાહેરાત કરતા આજે ૩૮૯ જેટલા વાલીઓએ જૂના પુસ્તકો આપીને નવા પુસ્તકો લીધા હતા.

જેમાં એક વાલીતો ૭૦ કીલોમીટરથી પુસ્તકો આપવા તેમજ લેવા આવ્યા હતા.વાલી મંડળના સભ્ય દિપક પાલકરના જણાવ્યા મુજબ હાલની કોરોના મહામારી દરમિયાન વાલીઓ પર આર્થિક બોજાે વધે નહીં તેને ધ્યાનમાં રાખી વડોદરા વાલી મંડળે ધોરણ એક થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે પુસ્તક મેળાનું આયોજન કર્યું હતું. વડોદરાની એક શાળાના પુસ્તકોની કિંમત રૂપિયા ૭૦૦૦ જેટલી થવા જાય છે ત્યારે શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમના પુસ્તકો લઈને અન્ય વિદ્યાર્થીઓને મદદ રૂપ થાય તે રીતે પુસ્તક મેળામાં ભાગ લીધો હતો.