વડોદરા,તા. ૩૧

હાઇકોર્ટના કડક વલણ બાદ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના માર્ગો ઉપર રખડતા પશુઓ ઉપર નિયંત્રણ લાવવા માટે તાજેતરમાં જ મંજૂર કરેલ કેટલ પોલિસીના અમલ સાથે આવતીકાલથી ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ થશે. આ પોલિસીના કડક અમલ બાદ રખડતાં પશુઓની સમસ્યા માંથી છુટકારો મળશે કે ફરી સ્થિતિ જૈસે થે જાેવા મળશે?

શહેરના વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો ઉપર રખડતાં પશુઓને કારણે ઉદભવતી ટ્રાફિક સમસ્યા, અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત અને મૃત્યુના કેસોના બનાવોને કારણે રખડતાં પશુઓનો ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ અપાવવા કોર્પોરેશનની તાજેતર મળેલી સામાન્ય સભામાં નવી કેટલ પોલિસી મંજૂર કરવામાં આવી છે. જેનું અમલીકરણ આવતીકાલથી થનાર છે.

આ પોલિસી મુજબ હવેથી પશુમાલિક દ્વારા તેઓના પશુને રખડતું મૂકવા બદલ નાગરિકોને થતી ઈજા કે તેઓનું મૃત્યુ અંગેની સંપૂર્ણ જવાબદારી પશુ માલિકની રહેશે. એટલું જ નહીં રખડતાં ઢોરને કારણે ઈજાગ્રસ્ત થનારી વ્યક્તિને રૂપિયા એક લોખ સુધી અને મૃત્ય થાય તેવાં સંજાેગોમાં પશુપાલક પાસેથી પાંચ લાખનો વળતરની જાેગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ઘાસચારાના વેચાણના ગોડાઉન મેળવવાની દુકાન અર્થે લાઈસન્સ માટે વહીવટી વોર્ડ સંસ્થાએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેચાણ કરવા લાઈસન્સની મુદ્દત ૧ વર્ષ માટે અને ફી નિયમો અંતર્ગત રૂા.૨૦૦ રહેશે.

પાલિકા હદ વિસ્તારના પશુઓની નોંધણી કરાવીને ટેગ લગાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

કેટલ પોલિસીના મહત્વના નિયમો

• પશુમાલિક પાસે પશુઓ રાખવા માટે પોતાની જગ્યા નહીં હોય તેઓ હવેથી શહેરમાં પશુ રાખી શકશે નહીં. તેઓએ પશુઓને શહેર બહાર સ્વ- ખર્ચે શિફટ કરવો પડશે અન્યથા આવા પશુઓને પકડીને ઢોરડબ્બામાં પૂરવામાં આવશે. જરૂર જણાયે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.

• પકડાયેલાં પશુઓ છોડાવવા માટે હવે નોંધણી નંબર ફરજિયાત રહેશે

• રખડતાં પશુ પકડવાની કામગીરી દરમિયાન અવરોધ ઊભો કરનારા ઈસમો વિરુદ્ધ પોલીસ દ્વારા અટકાયત કરી જરૂરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે

• ૪ માસ પછી જાે કોઈપણ પશુને ટેગ લગાવેલ નહીં હોય, લાઈસન્સ/ પરમીટ નહીં હોય તો પશુઓને પકડી ઢોરડબ્બામાં પૂરવામાં આવશે

• વારંવાર પશુઓને રખડતાં મૂકતાં પશુમાલિકોને હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ તરીકે પ્રસ્થાપિત કરી પોલીસ વિભાગ તરફથી જરૂરી ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે

• પશુમાલિક દ્વારા તેઓના પશુને રખડતું મૂકવા બદલ નાગરિકોને થતી ઈજા કે તેઓનું મૃત્યુ અંગેની સંપૂર્ણ જવાબદારી પશુ માલિકની રહેશે.