લંડન-

યુરોપિયન યુનિયને અમેરિકાનાં ઉત્પાદનો પર 4 અબજ ડોલરની ટેરિફ લાદવાની તૈયારીઓ આદરી છે. યુરોપિયન સંઘની બહુમતી સરકારોએ અમેરિકન વસ્તુઓની આયાત પર ટેરિફ લગાવવાનાં ર્નિણયનું સમર્થન કર્યું છે.અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ટેરિફ અંગે ર્નિણય લેવાયો નહોતો પણ હવે મતદાનના દિવસે જ ઇયુએ અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ લગાવવાની તૈયારી કરી હતી.

આ અગાઉ વિશ્વ વ્યાપાર સંગઠને અમેરિકાને યુરોપિયન સંઘ પર 7.5 અબજ ડોલરના માલ પર ઊંચી આયાત ડ્યુટી લગાવવાની મંજૂરી આપી હતી. ડબલ્યુટીઓના ઇતિહાસમાં આ સૌથી મોટો ફેંસલો ગણાવવામાં આવી રહ્યો છે. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે યુરોપિયન સંઘ વિમાન નિર્માતા કંપની એરબસને ગેરકાયદેસર રીતે મદદ કરી રહ્યું છે. જેના અનુસંધાનમાં ર્નિણય લેવામાં આવ્યો હતો.

યુરોપિયન સંઘના એક નેતાએ જણાવ્યું હતું કે આગામી અઠવાડિયે મંગળવાર અથવા બુધવારે અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ લાદવામાં આવશે. બીજી તરફ અમેરિકાનો તર્ક છે કે યુરોપિયન સંઘના ટેરિફ માટે કોઈ કાયદાકીય આધાર નથી કેમ કે બોઇંગને અપાતી સબસીડી બંધ કરી દેવાઈ છે. બંને પક્ષો એકબીજા પર વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઈઝેશનના નિયમોનું પાલન કરવામાં નિષ્ફ્ળ રહ્યા હોવાના આરોપો લગાવી રહ્યા છે.