વિન્ડિઝને માત આપનાર ટીમ જ પાકિસ્તાન સામે ઉતરશે .કોરોના મહામારી વચ્ચે 117 દિવસ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી 8 જુલાઈએ ઇંગ્લેન્ડથી થઈ હતી. ઇંગ્લેન્ડે આ મહિને જ વેસ્ટ ઇન્ડીઝને 2-1થી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડ બોર્ડે આ ટીમ જ યથાવત રાખી છે. બ્રોડે વિન્ડિઝ સામે 4 ઇનિંગ્સમાં 16 વિકેટ લઈને ટેસ્ટ કરિયરમાં 500 વિકેટ પૂરી કરી હતી. 

ઇંગ્લેન્ડ ઘરઆંગણે 12માંથી 8 સીરિઝ જીત્યું છે કોરોનાવાયરસ વચ્ચે ઇંગ્લેન્ડ તેની બીજી અને પાકિસ્તાન પોતાની પ્રથમ ટેસ્ટ સીરિઝ રમવા જઈ રહ્યું છે. બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ આવતીકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. ઇંગ્લેન્ડ 10 વર્ષથી પાકિસ્તાન સામે સીરિઝ જીત્યું નથી, જ્યારે તે ઘરઆંગણે 6 વર્ષથી કોઈ સીરિઝ હાર્યું નથી. તેવામાં ઇંગ્લિશ ટીમ પાસે રેકોર્ડ સુધારવાની તક છે. 

છેલ્લે ઇંગ્લેન્ડની ટીમે જુલાઈ 2010માં પાકિસ્તાન સામે 3-1થી હોમ ટેસ્ટ સીરિઝ જીતી હતી. ત્યારબાદ, 10 વર્ષમાં બંને વચ્ચે 4 ટેસ્ટ શ્રેણી રમવામાં આવી છે. તેમાંથી પાકિસ્તાને 2012 અને 2015 માં બે સીરિઝ જીતી હતી, જે યુએઈમાં યોજાઇ હતી. જ્યારે ઇંગ્લેન્ડમાં વર્ષ 2016 અને 2018માં બે ટેસ્ટ શ્રેણી ડ્રો રહી હતી.