ગાંધીનગરઃ

રાજ્યભરમાં કાળો કેર મચાવનાર કોરોનાના કારણે પાટનગર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ અને સચિવાલય સૂમસામ ભાસી રહ્યા છે. થોડા સમય અગાઉ લોકોની અવરજવરથી ભરચક રહેતા સ્વર્ણિમ સંકુલ અને સચિવાલય સંકુલમાં સન્નાટો પ્રસરી ગયો હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે. મંત્રીમંડળના સભ્યોના કાર્યાલયોમાં અને સચિવાલયમાં ગણ્યાગાંઠ્‌યા કર્મચારીઓ સિવાય કોઈ જાેવા મળતું નથી. જયારે ઉચ્ચ અધિકારીઓ એક યા બીજા કારણોસર પોતાની કચેરીમાં આવવાનું ટાળી રહ્યા છે તે બાબત પણ ઉભરીને સામે આવી છે.

ગુજરાતમાં કોરોનાની મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ કોરોનાની મહામારીને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા સરકારી, અર્ધ સરકારી કચેરીઓ તેમજ બોર્ડ-નિગમો સહિતના વિભાગોમાં તેમજ ખાનગી કચેરીઓ અને સંસ્થાઓમાં ૫૦ ટકા સ્ટાફને હાજર રાખવાનો આદેશ કરાયો છે. જેના કારણે મોટાભાગની કચેરીઓમાં અડધો સ્ટાફ હાજર રહે છે. ત્યારે બીજી તરફ કોરોનાના સંક્રમણના કારણે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ અને સચિવાલય સંકુલમાં આવેલા વિવિધ વિભાગોમાં રોજ એક-બે કર્મચારી અધિકારી કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. જેના કારણે આવા કર્મચારીઓ કે અધિકારીઓના સંપર્કમાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓએ પણ હોમ કવોરન્ટાઈન રહેવું પડે છે. જેના કારણે આવી કચેરીઓનો સ્ટાફ અડધાનો અડધો થઇ છે. એટલે કે મોટાભાગના વિભાગોની કચેરીઓમાં ગણ્યાગાંઠ્‌યા કર્મચારીઓ અને અધિકારીઓ જ જાેવા મળે છે. જયારે ઉચ્ચ અધિકારીઓ એક યા બીજા કારણોસર કચેરીમાં આવવાનું ટાળી રહ્યા છે.

રાજ્યના સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨ માં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યોના કાર્યાલય કાર્યરત છે. આ બંને સંકુલોમાં બેસતા મંત્રીમંડળના સભ્યોની કચેરીઓમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય સિવાય બાકીના મંત્રીઓના કાર્યાલયોમાં બે-ચાર કર્મચારીઓ સિવાય કોઈ જાેવા મળતું નથી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, મોટાભાગના મંત્રીમંડળના સભ્યોના સ્ટાફમાં કોઈને કોઈ કર્મચારી કે અધિકારી કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓ કે અધિકારીને પણ કોરોનાની માર્ગદર્શિકા મુજબ દસ દિવસ માટે હોમ કવોરન્ટાઈન રહેવું પડે છે. આ ઉપરાંત ૫૦ ટકા સ્ટાફ હાજર રાખવાના નિયમને કારણે મંત્રીમંડળના સભ્યોના કાર્યાલયમાં માત્ર ગણ્યાગાંઠ્‌યા ચારથી પાંચ કર્મચારીઓ જાેવા મળી રહ્યા છે.

કોરોનાના કારણે સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં બહારથી આવનારાઓના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. જેના કારણે જરૂરી કારણોસર આવનારા સરકારી કર્મચારીઓ કે અધિકારીઓને સંકુલમાં આવવાની પરવાનગી આપવામાં આવી રહી છે. જેના કારણે બહારથી આવનારની સંખ્યા પણ નહીવત છે.

ગાંધીનગર માહિતી કચેરીના બે કર્મચારી સંક્રમિત

ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. કોરોનાના સંક્રમણે સ્વર્ણિમ સંકુલ અને સચિવાલય સંકુલમાં પોતાનો પગપેસારો કર્યો છે. ત્યાર બાદ કોરોનાના સંક્રમણે જૂના સચિવાલય સંકુલમાં પણ પગ પેસારો કર્યો છે. જૂના સચિવાલય વિભાગમાં આવેલ માહિતી ખાતાની કચેરીમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો છે. માહિતી ખાતાની કચેરીમાં સમાચાર વિભાગમાં કાર્યરત કર્મચારીઓ વિપુલ ચૌહાણ અને ધવલ શાહ ગત સપ્તાહમાં કોરોનાથી સંક્રમિત થયા હતા, જેઓ હાલ કવોરન્ટાઈન પિરિયડમાં હોમ આઈસોલેશનમાં છે. જયારે આજે મળતી માહિતી મુજબ સમાચાર વિભાગના નાયબ માહિતી નિયામક સંજય કચોટના પત્ની કોરોનાથી સંક્રમિત થયા છે. જેના કારણે સંજય કચોટે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જાે કે હજુ સુધી તેમનો રિપોર્ટ આવ્યો ન હતો તેમ સૂત્રોએ જણાવ્યું હતું