ગાંધીનગર  ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની સાથે હવે વહીવટીતંત્રમાં પણ ફેરફારનું કાઉન્ટડાઉન શરુ થયુ છે. હાલ રાજયની નવી સરકારના નવા મંત્રીઓ તેમના વિભાગોને સમજવામાં અને જન આશિર્વાદ યાત્રામાં વ્યસ્ત છે તથા રવિવારે ગાંધીનગરની મહાપાલિકાની ચૂંટણીઓમાં રવિવારના મતદાન અને પરિણામ પછી વહીવટીતંત્રમાં ફેરફાર થશે. હાલમાં જ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજયના મુખ્ય સચીવને જે ઉચ્ચ અધિકારીઓ એક જ સ્થાન કે જાહેરમાં ત્રણ વર્ષ કે તેથી વધુ નોકરી કરતા હોય તેની યાદી તૈયાર રાખવા જણાવ્યું છે. આમ અધિકારીઓની મોટા પાયે બદલીના સંકેત છે.રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બુધવારે જ એક સકર્યુલર જારી કરીને રાજય સરકારના તમામ વિભાગોના એડી. ચીફ સેક્રેટરી, પ્રિન્સીપલ સેક્રેટરી અને સચિવને તેમના વિભાગોમાં આ પ્રકારના અધિકારીઓની યાદી તૈયાર કરવા જણાવ્યું છે. જેમાં ગ્રેડ-૧ તથા ૨ના અધિકારીઓ જેઓ છેલ્લા ચાર વર્ષથી એક જ સ્થાને છે તેમની યાદી આપવા જણાવ્યું છે તેમની પોઝીશન, નોકરીનું સ્થળ તથા તેમની સર્વિસ રેકોર્ડનો ટુંકો બાયોડેટા અને કેટલા સમયથી એક જ વિભાગ એક જ પોષ્ટ પર છે તે માહિતી આપવી પડશે.ડિપાર્ટમેન્ટની આ નોંધ પરથી સામાન્ય વહીવટ વિભાગ તેનો રીમાર્ક આપશે અને આ પ્રકારના અધિકારીઓને તેમના જૂના વિભાગો કે જાહેર ગામ સાથે સંપર્ક ન રહે તે રીતે બદલી કરાશે. વહીવટીતંત્રમાં અધિકારીઓના સ્થાપિત હિત વધી ગયા હોવાના રીપોર્ટ બાદ આ મોટું પગલું લેવામાં આવી રહ્યું છે. આ કામગીરી પર ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નજર રાખી રહ્યા છે અને કેબીનેટમાં ડેટા તથા માહિતી રજુ કરાશે. મંત્રીઓને પણ કોઈ ચોકકસ અધિકારીનો આગ્રહ નહી રાખવાની સ્પષ્ટ સૂચના છે. હાલ અનેક મંત્રીઓએ તેમના પી.એ. તરીકે તેમના જાણીતા અધિકારીઓને ગાંધીનગરમાં બોલાવી લીધા છેજૂના મંત્રીઓમાં કેટલાક તેમના પી.એ.ને નવા મંત્રીઓ સાથે ગોઠવવા માટે પ્રયાસ કરે છે અને થોડા પી.એ. ગોઠવાઈ પણ ગયા છે. આ યાદી પણ સી.એમ. પાસે છે. ગાંધીનગર અને ગ્રેડ વન અને ટુ માં આ પ્રકારના ફેરફાર બાદ જીલ્લા તથા તાલુકા કક્ષાએ પણ આ પ્રકારના ફેરફારનો રાઉન્ડ આવશે.