વડોદરા, તા.૧૧

મોરબી પુલની દુર્ઘટના પછી મનપા દ્વારા શહેરના વિશ્વામિત્રી નદી ઉપરના અને રેલવે લાઈન ઉપરના બ્રીજાેની ચકાસણી કરવાનું સુરતાન ઉપડ્યું છે. આ કામને માટે કન્સલ્ટન્ટ રોકવા પાછળ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર અંદાજે ૬૧ લાખ રૂપિયાની માતબર રકમની ચુકવણી કરનાર છે.આ માટેના કામને સ્થાયી સમિતિની મળેલી મિટિંગમાં બહાલી આપવામાં આવી છે. જેને લઈને પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે તંત્ર સામે આક્રોશ ઠાલવીને પ્રજાના કરવેરાના નાણાંનો દુર્વ્યય કરવામાં આવતો હોવાનો શાસકો સામે સીધો આક્ષેપ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્થાયી સમિતિની મિટિંગમાં વડોદરા મહાનગર પાલિકાની હદમાં આવેલ હયાત બ્રિજ અને કલ્વર્ટની સલામતીના ઓડિટની કામગીરીને માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. આ આવેલા ટેન્ડરો પૈકી સૌથી ઓછા ભાવનું ટેન્ડર સલાહકાર કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડનું આવ્યું હતું. જેને રૂપિયા ૧,૧૫,૨૦,૦૦૦નો ભાવ આપ્યો હતો.આજ ભાવનું એક ટેન્ડર જે સલાહકાર આર એન્ડ બીમાં બ્લેક લિસ્ટેડ થયો હોઈ એનું અગાઉ આવ્યું હતું.જેને લઈને એજ ભાવે કામ કરવાને માટે તૈયાર થનારને કામ આપી દેવામાં આવ્યું હતું.પરંતુ એમાં કોઈપણ પ્રકારના ધારાધોરણો સાચવવામાં આવ્યા નથી એવા આક્ષેપો થઇ રહયા છે. પૂર્વ વિપક્ષી નેતાએ પાલિકામાં સક્ષમ અને કાર્યક્ષમ ઇજનેરોની ફોજ હોવા છતાં પણ એજન્સીઓને કામ આપીને જે રીતે નાણાંનો ધુમાડો અને વ્યય કરવામાં આવી રહ્યો છે.એની સામે ભારોભાર રોષ ઠાલવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે આ અગાઉ પણ પાલિકા દ્વારા વિવિધ પુલોના બાંધકામ સમયે અને આવાસોના નિર્માણ સમયે કન્સલ્ટન્ટ નીમવામાં આવ્યા હતા.તેમજ એમને જંગી રકમની ફી પણ ચુકવવામાં આવી હતી.તેમ છતાં માત્ર દશ વર્ષના ગાળામાં આવાસો જર્જરિત થઇ ગયા એને માટે શું પગલાં લેવામાં આવ્યા છે? એવો અનિયરો સવાલ શાસકો સામે કરીને આની પાછળ વ્યાપક ભ્રષ્ટાચાર કારણભૂત હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો. પાલિકા દ્વારા હાલમાં સલાહકાર દ્વારા બ્રિજના રૂટિન ઇન્સ્પેક્શનને માટે હાલમાં કરવામાં આવેલ કામગીરીના ખર્ચ પેટે રૂપિયા ૩૬,૯૦,૦૦૦ તથા સાત બ્રીજ જેમાં બે રેલવે પરના અને પાંચ નદી પરના બ્રિજના પ્રિન્સિપલ ઇન્સ્પેક્શનને માટે રૂપિયા ૨૪ લાખ મળીને કુલ રૂપિયા ૬૦,૯૦,૦૦૦ નું ચુકવણું કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.