નડિયાદ : નડિયાદ શહેરની લાખોની વસતિ સુધી અનાજ વિતરણ કરવું સરકારને પરવડ્યું નથી. તેનાં કારણે નડિયાદ મામલતદાર કચેરી દ્વારા અનાજ વિતરણમાં કોનો સમાવેશ કરવો અને કોનો ન કરવો તે માટે ધારા-ધોરણ નક્કી કરાયાં છે. નડિયાદ મામલતદાર દ્વારા આજે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારી ધારા-ધોરણો મુજબ જ હવે અનાજનું વિતરણ કરવામાં આવશે. શહેરમાં દરેક પરિવારને અનાજ આપવામાં ક્યાંક વંચિતો, ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને અનાજ ન મળતુ હોવાની અનેક ફરિયાદો મળી છે. ત્યારે આ સંદર્ભે ચોક્કસ નિયમો જાહેર કરાયાં છે.

આ નિયમો દરેક સસ્તા અનાજની દુકાનો બહાર પણ મૂકવામાં આવશે. આ નિયમો લાગુ કરવા પાછળ પ્રશાસનનો સ્પષ્ટ સંદેશ છે કે, તમામ લોકોને અનાજ આપવામાં સરકારની તિજાેરી પર ખાસ્સો બોજાે પડે છે, જેનાં કારણે અનાજ વિતરણ મુદ્દે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. આ સમગ્ર બાબતે નડિયાદ મામલતદાર કચેરી દ્વારા ૯ મુદ્દા આવરીને ચોક્કસ નિયમો જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં ૩ કે ૪ પૈડાવાળુ વાહન ધરાવતાં હોય, જે કુટુંબમાં સરકારી કર્મચારી હોય, જે કુટુંબના સભ્ય માસિક ૧૦,૦૦૦ જેટલી આવક ધરાવતાં હોય ઉપરાંત આવકવેરો અને વ્યવસાય વેરો ચૂકવતા હોય તે તમામ લોકોને અનાજ મળવાપાત્ર નથી. આ ઉપરાંત જે કુટુંબ ખેતીની જમીન ધરાવતો હોય, જે કુટુંબ સરકારી પેન્શનર હોય, જે કુટુંબ આર્થિક સુખાકારી ધરાવતો હોય, જે કુટુંબ શહેરી વિસ્તારમાં ધાબાવાળુ મકાન ધરાવતો હોય અને કુટુંબનો કોઈ એક સભ્ય ખાનગી કંપનીમાં ૧૦,૦૦૦થી વધુ આવક ધરાવતો હોય તે તમામ કુટુંબો અનાજ મેળવવા માટે પાત્ર નથી. આ તમામ કુટુંબોએ વહેલામાં વહેલીતકે ૩૦ નવેમ્બર પહેલા સ્વેચ્છાએ એનએસએફએ યોજના અંતર્ગત યોજનામાંથી પોતાનું નામ કમી કરાવવાનું રહેશે. આ માટે નડિયાદ શહેર મામલતદારની કચેરીમાં પૂરવઠા શાખામાં રેશનકાર્ડની નકલ સાથે અરજી કરવાની રહેશે. ૩૦ નવેમ્બર બાદ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે, જેમાં કોઈ પરિવાર આર્થિક સુખાકારી ધરાવતો જણાશે અને તે અનાજ વિતરણનો લાભ લેતો હશે તો તે પરિવાર સામે વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની અને જરૂર પડતાં ફોજદારી કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવશે, તેમ મામલતદારે એક જાહેર અપીલમાં જણાવ્યું છે.