માઉન્ટ માઉંગાનુઈ 

યુવા બેટસમેન ગ્લેન ફિલીપ્સે 46 બોલમાં ફટકારેલી રેકોર્ડ સદીની મદદથી ન્યુઝીલેન્ડે બીજા ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 72 રને હરાવ્યું હતું. આ જીત સાથે ન્યુઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. ફિલીપ્સે 51 બોલમાં 108 રનની ઈનિંગ દરમિયાન ન્યુઝીલેન્ડ તરફથી સૌથી ઝડપી સદી બનાવી હતી.

ફિલીપ્સે પોતાની ઈનિંગમાં આઠ છગ્ગા અને 10 ચોગ્ગા લગાવવા ઉપરાંત ડેવોન કોનવાયે 37 બોલમાં અણનમ 65 રન બનાવી ત્રીજી વિકેટ માટે 184 રનની ભાગીદારી કરી હતી. તેની ભાગીદારીની મદદથી ન્યુઝીલેન્ડે ત્રણ વિકેટે 238 રન બનાવ્યા હતા. જવાબમાં વિન્ડીઝની ટીમ 9 વિકેટે 166 રન જ બનાવી શકી હતી. 

ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે સાત ઓવરમાં બે વિકેટ ગુમાવી 53 રન બનાવ્યા હતા. આ પછી ફિલિપ્સ અને કોનવાય બેટિંગ કરવા ઉતર્યા હતા. 23 વર્ષીય ફિલિપ્સે 10મી ઓવરના અંતિમ બોલે કાયરન પોલાર્ડની બોલિંગમાં છગ્ગો ફટકારી પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. આ પછી તેણે છગ્ગાની હારમાળા સર્જી દેતાં વિન્ડીઝ ટીમના બોલરોના ચહેરા રડમસ થઈ જવા પામ્યા હતા. તેણે 13મી ઓવરમાં ફૈબિયન એલેનને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. જો કે 20મી ઓવરના પાંચમા બોલે પોલાર્ડે તેને આઉટ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની વર્લ્ડ ટી-20 ચેમ્પિયન ટીમ ન્યુઝીલેન્ડના 238 રનના જવાબમાં ક્યારેય મેચમાં પરત ફરી રહેલી દેખાઈ નહોતી. વિન્ડીઝ ટીમના છ બેટસમેનો બે આંકના સ્કોરમાં પહોંચ્યા પરંતુ કોઈ બેટધર મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. કેપ્ટન પોલાર્ડ 15 બોલમાં 28 રન બનાવી આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડ વતી કાઈલ જૈમિસને 15 જ્યારે મિશેલ સેન્ટનરે 41 રન આપીને 2-2 વિકેટ મેળવી હતી.